અમદાવાદ શહેર સહિતા વિસ્તારોમાં બદલાતી ઋતુની સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. શહેરમાં ડેન્ગ્યુ સહિતના રોગચાળાના કેસોમાં મોટો વધારો થયો છે.જેના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં 11629 ઓપીડી નોંધાવા સાથે 1100 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે.પાણીજન્ય અને મચ્છરજન્ય કેસો યથાવત રહેતા ડેન્ગ્યુ, મલેરિયાના, સ્વાઇન ફ્લૂ અને ટાઈફોડના કેસો સામે આવ્યા છે.તાવ તથા શરદી-ઉધરસના કેસો વધતા તંત્ર દ્વારા બહારનો વાસી ખોરાક ટાળવાની વિશેષ સલાહ આપવામાં આવી છે.
ડેન્ગ્યુના 20 દિવસમાં 496 કેસ નોંધાયા
અમદાવાદમાં વરસાદના વિરામ પછી શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના 20 દિવસમાં 496 કેસ નોંધાયા છે.આ ઉપરાંત મેલેરિયા,ઝેરી મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.શહેરના ગોતા વોર્ડમાં આવેલી વસંતનગર ટાઉનશિપ ઉપરાંત ચાંદલોડિયા અને થલતેજ વોર્ડમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા છે.શહેરમાં મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા મ્યુનિસિપલ કમિશનરે કરેલી તાકીદ પછી 51 જેટલા હોટસ્પોટ હેલ્થ-મેલેરિયા વિભાગ દ્વારા જાહેર કરી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
