મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરતથી બિલીમોરા વચ્ચેનો 50 કિમી લાંબો રૂટ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે.આ મહત્વપૂર્ણ રેલવે સેક્શનમાં સુરત અને બિલીમોરા વચ્ચે અપ તેમજ ડાઉન એમ બંને લાઇન સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે.નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગામી 20 નવેમ્બરથી બુલેટ ટ્રેનના ટ્રેક પર ટ્રેન દોડાવવાની પૂરજોશ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.આ કામગીરી અંતર્ગત ટ્રેક પર ઓવરહેડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમને જોડવામાં આવશે.રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિક સિસ્ટમ જોડાયા બાદ અને વીજળી શરૂ થયા પછી તરત જ નિર્ધારિત ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવશે,જેનાથી ટ્રેકની સજ્જતા જાણી શકાશે.
વિદ્યુત લાઇન વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે કાર્યક્ષમ
આ સમગ્ર પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં જાપાનની અદ્યતન ટેકનોલોજીનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.હાઇસ્પીડ ટ્રેનના દોડવા માટે સમગ્ર રેલવે ટ્રેક ખાસ ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમથી સજ્જ કરાયો છે.ભારત દેશમાં આ પ્રકારની આધુનિક જાપાનીઝ સિસ્ટમ પહેલી વાર અમલમાં મૂકવામાં આવી રહી છે.આ અત્યાધુનિક ઇજનેરી ટેકનોલોજી અને વિશેષ વ્યવસ્થાને કારણે બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જાપાનની આ ટેકનોલોજી અતિ ઝડપી ટ્રેન દોડતી વખતે પણ ટ્રેક અને વિદ્યુત લાઇન વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે કાર્યક્ષમ માનવામાં આવે છે.
