અમદાવાદ મહાનગર પાલિકામા નવી કમિટીઓ કામે લાગી ગઈ છે અને કામગીરીની સાથે સાથે વિવાદો પણ ચાલુ થઈ ગયા છે.હેલ્થ કમિટીના ચેરમેન પદે નિયુક્ત થયેલા નિકોલ કોર્પોરેટર દીપક પંચાલે પ્રથમ કમિટી માટે તૈયાર થયેલા એજન્ડામાં એવી વિવાદિત દરખાસ્તને મંજૂરી આપી છે કે હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર સવાલ ઉભા કરી દે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિમાં એક એવો એજન્ડા આવ્યો છે જે શહેરની સફાઈ કરતાં વધુ ખરીદીની ઉતાવળ તરફ ઈશારો કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

68.34 લાખ સુધીના ખર્ચનો પ્રસ્તાવ મૂકાયો
હેલ્થ અને સોલીડ વેસ્ટ કમિટી સમક્ષ 2.25 લાખ પ્લાસ્ટિક વેસ્ટબેગ ખરીદવા માટે રૂ.68.34 લાખ સુધીના ખર્ચનો પ્રસ્તાવ મૂકાયો છે.એજન્ડામાં લખવામાં આવ્યું છે કે બકરી ઇદ માટે ધાર્મિક વેસ્ટ કલેકટ કરવા માટે આ બેગની ખરીદી કરવાની છે. આ દરખાસ્તને લઇને સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ચાલુ વર્ષની ઈદ 2 મહિના પહેલા જ ગઈ અને આગામી બકરી ઈદને 10 મહિના જેટલો સમય છે તો આ બેગ ખરીદીની ઉતાવળ કેમ? AMC તો દરરોજ શહેરમાંથી વેજ, નોનવેજ અને અન્ય ઘન કચરો એકત્ર કરવા માટે ડોર-ટુ-ડોર વાહનો દોડાવવાનો દાવો કરે છે. જો કચરો રોજ એકત્ર થાય છે અને તેની અલગ વ્યવસ્થા પહેલેથી જ કાર્યરત છે તો પછી લાખો રૂપિયાની વધારાની પ્લાસ્ટિક વેસ્ટબેગ ખરીદીનું કારણ શું છે તેની ચર્ચા શરૂ થઈ છે.
ફરિયાદો અને વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાઓ યથાવત
શહેરમાં રસ્તાઓ પર કચરાના ઢગલા,સફાઈ અંગેની ફરિયાદો અને વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાઓ યથાવત છે.પરંતુ ખરીદીના પ્રસ્તાવો સતત ઝડપથી આગળ વધી રહ્યા છે.એવું લાગી રહ્યું છે કે હેલ્થ અને સોલીડ વેસ્ટ કમિટીને કચરા કરતાં ખરીદીનું મેનેજમેન્ટ વધુ સક્રિય છે. AMCમાં કમિટીની કોઈ દરખાસ્ત મૂકવાની હોય અને અધિકારી એ ફાઈલ આપે જેમાં કોઈ ક્વેરી લાગે તો ચેરમેન તેમાં સુધારા કરી શકે અથવા કારણ માંગી શકે અથવા દરખાસ્ત એજન્ડા લેવા મુદ્દે જ મનાઈ ફરમાવી શકે પરંતુ અહી તો વિવાદિત દરખાસ્ત એજન્ડામાં લાવવા મંજૂરી મળતા સવાલ તો ઉઠ્યા છે.નીતિ અને નિયત પર અનેક સવાલ ઉભા કરે છે કેમ બકરી ઈદના ધાર્મિક વેસ્ટ માટે કેમ આટલી ચિંતા થવા લાગી?
આ પણ વાંચોઃ Surat News: યુરિયા ખાતરના ડાયવર્ઝનનું કૌભાંડ ઝડપાયું, 1.19 લાખની કિંમતની 404 બેગનો જથ્થો સીઝ