ગુજરાતમાં કેન્સરના કેસની સાથે આ બીમારીથી થતાં મોતના કેસ સતત વધી રહ્યા છે.વર્ષ 2025માં ગુજરાતમાં અંદાજે 79,217 જેટલા કેસ સામે આવ્યા હતા જ્યારે 43,572 દર્દીઓનાં મોત થયાનો અંદાજ છે. આમ ગુજરાતમાં પ્રતિ દિવસે 119થી 120 જેટલા કેન્સરના દર્દીના મોત થયાનો અંદાજ છે, જે હકીકતે ચિંતાજનક છે. વર્ષ 2025માં દેશમાં 15.69 લાખ જેટલા નવા કેન્સર કેસ અને 8.68 લાખ મોતનો અંદાજ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ અંદાજિત આંકડા જાહેર કર્યા છે.

વર્ષ 2025માં કેન્સરના 5,906 દર્દીઓને સારવાર 

ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ભારતમાં 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાનું જોખમ 10.6 ટકા છે એટલે કે અંદાજે દર 10માંથી એક વ્યક્તિને જીવનકાળમાં 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાનું જોખમ છે. અમદાવાદ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ- જીસીઆરઆઈની વાત કરીએ તો વર્ષ 2025માં કેન્સરના 5,906 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, વર્ષ 2021થી 2025ના અરસામાં એટલે કે પાંચ વર્ષમાં 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. 

શહેર કરતાં ગ્રામ્ય ક્ષેત્રમાં આ કેસ વધુ જોવાયા છે

તમાકુ અને દારૂના વધુ પડતાં સેવનથી મોં, ગળાના ભાગે કેન્દ્ર કેસ મોટા પાયે જોવા મળ્યા છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. દેશમાં દર વર્ષે સર્વાઈકલ કેન્સરના 1.27 લાખ જેટલા કેસ નોંધાય છે, દર 4 મિનિટે એક મહિલાને કેન્સરનું નિદાન થાય છે અને દર 7 મિનિટે એક મહિલાનું આ કેન્સરથી મોત થાય છે. સિવિલની જીસીઆરઆઈમાં વર્ષ 2025ના 11 માસમાં ગર્ભાશયના મુખના એટલે કે સર્વાઈકલ કેન્સરમાં 748 મહિલાઓને સારવાર આપવામાં આવી હતી, શહેર કરતાં ગ્રામ્ય ક્ષેત્રમાં આ કેસ વધુ જોવાયા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 33 હજારથી વધુ મકાનોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું, પાણીના 47 સેમ્પલ અનફિટ