અમદાવાદના નિકોલ ચાર રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક XUV કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં બંને વાહનચાલકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નિકોલ ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. કારચાલકે બેફામ ગતિથી વાહન ચલાવી એક્ટિવાને ટક્કર મારી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે.


કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બેને ઇજા

ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાચાલક ફંગોળાઈ ગયો હતો. જ્યારે કારચાલકને પણ ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે આ અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન અને બેફામ વાહન ચલાવતા લોકોની બેદરકારી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

ચાર રસ્તા જેવા ગીચ વિસ્તારમાં પણ લોકો લાલબત્તી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જેના પરિણામે આવા અકસ્માતો વારંવાર બને છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને બેફામ વાહન ચલાવતા લોકો સામે દાખલો બેસાડવામાં આવે તે અત્યંત જરૂરી છે.


  • Follow us on: