• ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા ભારતની સર્જનાત્મક અભિવ્યક્તિઓના જીવંત મંચ તરીકે અમદાવાદને નવી ઓળખ આપતી ‘અભિવ્યક્તિ – આવૃત્તિ 8’ નું ભવ્ય અનાવરણ!
  • ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ ની આઠમી આવૃત્તિના શુભારંભ સાથે કલાના રંગોથી ઝળહળ્યું અમદાવાદ!
  • યુએનએમ ફાઉન્ડેશન દ્વારા દેશનાં 55 શહેરોમાંથી આવેલા 200 થી વધુ કલાકારો, વાર્તાકારો, સંગીતકારો અને સર્જકોને એક મંચ પર લાવીને સર્જનાત્મકતા, સંવાદ અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ રચવામાં આવ્યો.

ગત વર્ષે 4 લાખથી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિ સાથે સફળ રહેલી આ પહેલની આઠમી આવૃત્તિમાં 55 શહેરોના કલાકારો દ્વારા તૈયાર કરાયેલી 217 નવીન કલારચનાઓ અને ઇન્સ્ટોલેશન્સ રજૂ કરવામાં આવશે. આ સાથે વર્ષભર ચાલેલા પ્રોજેક્ટના આયોજનનું પણ સમાપન થશે.

વિખ્યાત સંગીતકાર અને પર્કશન કલાકાર રણજિત બારોટે પોતાના સૂરોથી અમદાવાદનું વાતાવરણ સંગીતમય બનાવતી પ્રસ્તુતિ “ચિનગારી” સાથે આઠમી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કર્યો.

ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા આજે અત્યાર સુધીની સૌથી વિશાળ અને મહત્ત્વાકાંક્ષી એવી ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની આઠમી આવૃત્તિનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદની ધરતી ફરી એકવાર દેશભરના કલાકારોની કલા, સર્જનાત્મકતા અને વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓના અનોખા સંગમની યજમાન બની છે.

એક પખવાડિયું, ત્રણ સ્થળ અને એક સહિયારો અનુભવ: કલાની અભિવ્યક્તિમાં ભીંજાતી લાગણીઓ!

27 નવેમ્બર, 2026 થી શરૂ થતા એક પખવાડિયા સુધી અમદાવાદ ફરી એકવાર કલાત્મક અભિવ્યક્તિના જીવંત કેનવાસમાં પરિવર્તિત થશે. ‘અભિવ્યક્તિ’ની આ આવૃત્તિ શહેરના ત્રણ સ્થળો – ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, એટીરા (ATIRA) અને શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસ ખાતે યોજાશે. આઠમી આવૃત્તિના નિર્ધારિત કાર્યક્રમોની શરૂઆત ઈશાની દવેની ‘સુર-એ-રાષ્ટ્ર - a celebration of music that knows no boundaries’ નામની પ્રસ્તુતિથી થશે.

ભારતનાં 55 શહેરોમાંથી આવેલા 200થી વધુ કલાકારોને એક મંચ પર લાવીને ‘અભિવ્યક્તિ’ અમદાવાદની ધરતી પર સંગીત, નાટ્યકલા, નૃત્ય, સાહિત્ય અને દૃશ્યકલાનો અસાધારણ સંગમ રજૂ કરશે.

‘આવૃત્તિ 8’ ના પ્રારંભને વેગ આપતી એક ચિનગારી

સંગીતની પરંપરાગત સીમાઓને વિસ્તૃત કરવા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંગીતકાર, ડ્રમર અને સંગીતનિર્દેશક રણજિત બારોટે ‘અભિવ્યક્તિ’ની આઠમી આવૃત્તિના ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમમાં સમકાલીન વર્લ્ડ-જાઝ ફ્યુઝન ‘ચિનગારી’ ની પ્રસ્તુતિ કરી હતી. આ રજૂઆતે આઠમી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવાના સંકલ્પને સાર્થક કર્યો હતો. શ્રેયસ ફાઉન્ડેશનના એમ્ફીથિયેટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 3,000 થી વધુ કલારસિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

આઠમી આવૃત્તિની વિવિધ કલાપ્રસ્તુતિઓનું ક્યુરેશન પ્રતિષ્ઠિત નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં ગોપાલ અગ્રવાલ (નૃત્ય), નેહા સિંહ (સાહિત્ય), તપસ રેલિયા (સંગીત), ગુરલીન જજ (નાટ્યકલા) અને લીના વિન્સેન્ટ (દૃશ્યકલા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દરેક કલા શૈલીના કલાકારોને તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં કૃત્તિ મહેશ (નૃત્ય), મહેન્દ્રસિંહ પરમાર (સાહિત્ય), રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટ્યકલા) અને ખંજન દલાલ (દૃશ્યકલા) નો સમાવેશ થાય છે.

કલા અને સંસ્કૃતિનો આ બહુઆયામી વાર્ષિક મહોત્સવ હવે ગુજરાત તેમજ દેશના અન્ય ભાગોમાંથી કલારસિકોને આકર્ષતું એક મહત્વપૂર્ણ આયોજન બની ગયું છે, જ્યાં માનવીય લાગણીઓ અને સંવેદનાઓને સ્પર્શતી વાર્તાઓના માધ્યમથી નવીન સર્જનાત્મક પ્રસ્તુતિઓ રજૂ થાય છે. આ વર્ષે કુટિયાટ્ટમ, કુચિપુડી, બ્લૂઝ, રોક, પોપ, મેટલ, ક્લાસિકલ બેલે, રૂપકાત્મક નાટ્યકલા, માઇમ, ઇમ્પ્રોવાઇઝેશન, ડિવાઇઝ્ડ થિયેટર, આધુનિક ઓડિસી, લાવણી, મેટાથિયેટર, મલ્ટિમીડિયા અને ડિજિટલ આર્ટ, લોકિંગ-પોપિંગ, ફાર્સ, ટટિંગ, લોકકલા તેમજ સાહિત્ય શ્રેણીમાં નાટ્યાત્મક વાચન સહિતની વિવિધ કલાશૈલીઓની અદભુત પ્રસ્તુતિઓ માણવા મળશે.

આ પ્રસંગે યુએનએમ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ સપના મહેતાએ જણાવ્યું હતું કે, “કલાકારો અને કલારસિકોની જેમ જ હું પણ દર વર્ષે ‘અભિવ્યક્તિ’ની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. ગત વર્ષે 4 લાખથી વધુ લોકોએ કોઈપણ અવરોધ વિના કલા સાથે જોડાઈને તેનો અનુભવ કર્યો હતો. આ વર્ષે આ આવૃત્તિ વધુ વ્યાપક અને વધુ શ્રેષ્ઠ બની છે, જેમાં અગાઉની આવૃત્તિઓમાંથી મળેલા અનુભવો અને શીખને સમાવવાનો અમે પ્રયાસ કર્યો છે. કલાના માધ્યમથી શહેરને જીવંત બનતું જોવાનો અનુભવ ખરેખર વિશિષ્ટ છે. વિવિધ સ્થળોનું રોશનીથી ઝળહળી ઊઠવું, કલાત્મક ઇન્સ્ટોલેશન્સનું આકાર લેવું અને રંગો, સંગીત તથા સર્જનાત્મકતાની ઊર્જાથી દરેક સ્થળનું જીવંત બની ઊઠવું. ‘અભિવ્યક્તિ’ની આ સફરના કેન્દ્રસ્થાને રહેવું મારા માટે ગૌરવની વાત છે. કળાને સૌ માટે સુલભ બનાવવાના એક સરળ વિચારથી શરૂ થયેલી આ પહેલ આજે એક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.


આ આવૃત્તિમાં 200 થી વધુ કલાકારો એકસાથે જોડાઈ રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ કલાકારો ગુજરાત બહારથી આવી રહ્યા છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની સહભાગિતા પણ આ આવૃત્તિની વિશેષતા છે. આ વિચાર કેટલો વ્યાપક બન્યો છે અને સૌથી મહત્વનું, આ આવૃત્તિમાં શું વિશેષ રજૂ થવાનું છે તે જોવું અત્યંત ઉત્સાહજનક છે. હું સૌને ‘અભિવ્યક્તિ’નો ભાગ બનવા, અહીંની કલાને અનુભવવા, તેની સાથે જોડાવા અને તેમાં સંપૂર્ણપણે તરબોળ થવા હાર્દિક આમંત્રણ આપું છું.”

‘અભિવ્યક્તિ’ની શરૂઆતથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ આ આયોજનનો હિસ્સો બની ચૂક્યા છે. આ પહેલ અંતર્ગત 2,500 થી વધુ કલાકારોને પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરવા માટે મંચ પૂરો પાડવામાં આવ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 550 થી વધુ વિશિષ્ટ કલાત્મક પ્રસ્તુતિઓ યોજવામાં આવી છે.

આઠમી આવૃત્તિમાં તમામ વય જૂથના કલારસિકો વિવિધ શૈલીઓની અદ્ભુત નૃત્ય પ્રસ્તુતિઓ, હૃદયસ્પર્શી અને પ્રયોગાત્મક સંગીતમય સંગમ, રસપ્રદ તેમજ પ્રેરણાદાયી કાર્યક્રમો, વિચારપ્રેરક નાટ્ય પ્રસ્તુતિઓ, સાહિત્ય ક્ષેત્રે કવિતા-ગદ્ય અને સંવાદો, ઇમર્સિવ પ્રદર્શનો તેમજ પરંપરા અને સમકાલીન સર્જનાત્મકતા બંનેનો ઉત્સવ મનાવતા અવિસ્મરણીય કલાત્મક અનુભવો માણી શકશે.

કલારસિકો માટે ‘અભિવ્યક્તિ’ કલાના વિવિધ સ્વરૂપો સાથે કોઈપણ પ્રકારના અવરોધ વિના જોડાવાની તક પૂરી પાડે છે, જ્યારે કલાકારો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા, પરસ્પર સહયોગ સાધવા અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે એક પ્રતિષ્ઠિત મંચ પૂરું પાડે છે.

માત્ર પરંપરાગત કલા મહોત્સવ પૂરતું સીમિત ન રહેતાં ‘અભિવ્યક્તિ’ આજે એક વ્યાપક સાંસ્કૃતિક અભિયાન તરીકે વિકસ્યું છે, જે અનુભવી અને પ્રતિષ્ઠિત કલાકારોની સાથે નવી ઊભરતી પ્રતિભાઓને પણ પ્રોત્સાહન આપે છે. વિવિધ કલા પ્રકારોને આવરી લેતા તેના કાર્યક્રમો કલાત્મક પ્રયોગો, નિષ્ણાતોનું માર્ગદર્શન અને સર્જનાત્મક સંવાદને પ્રોત્સાહિત કરે છે. આ પ્રક્રિયા દ્વારા કલાકારો અને કલારસિકો વચ્ચે એવા યાદગાર અનુભવોનું સર્જન થાય છે, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ લાંબા સમય સુધી તેમની સ્મૃતિમાં જળવાઈ રહે છે. પોતાના મૂળભૂત ઉદ્દેશ્યને અનુરૂપ ‘અભિવ્યક્તિ’ ઉચ્ચ ગુણવત્તાની કલાત્મક અનુભૂતિઓ સમાજના દરેક વર્ગ સુધી કોઈપણ અવરોધ વિના પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. વય, સામાજિક પૃષ્ઠભૂમિ કે સમુદાયના ભેદભાવ વિના તમામ લોકોને આ આયોજનમાં આવકારવામાં આવે છે.

તમામ કાર્યક્રમોમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને પ્રવેશની વ્યવસ્થા ‘વહેલા તે પહેલાના ધોરણે’ કરવામાં આવશે. કાર્યક્રમોની સંપૂર્ણ વિગતો ‘અભિવ્યક્તિ’નાં સત્તાવાર સોશિયલ મીડિયા માધ્યમો તેમજ વેબસાઇટ www.abhivyaktiart.org પર ઉપલબ્ધ છે.


અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ

Abhivyakti ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત ‘યુએનએમ ફાઉન્ડેશન’ દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી અને વિશિષ્ટ પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કલાને સમાજ જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે. સ્થળ, ભૌતિક મર્યાદાઓ, અંગત સંકોચ કે સામાજિક-આર્થિક ભેદભાવથી પર રહીને કલા સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી, આ પ્રોજેક્ટ હેઠળના તમામ કાર્યક્રમોમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

આ સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ કલા ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા નવોદિત કલાકારોને શોધી, તેમને યોગ્ય મંચ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, જેથી તેઓ પોતાની સર્જનાત્મકતાને શહેરીજનો સમક્ષ ઉજાગર કરી શકે.

‘અભિવ્યક્તિ’ અંતર્ગત નૃત્ય, સંગીત, ચિત્રકલા, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન આર્ટ અને નાટ્યકલા જેવા વિવિધ કલા સ્વરૂપોને સ્થાન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની કલાત્મક પ્રસ્તુતિઓ સામાન્ય નાગરિકો સુધી તદ્દન વિનામૂલ્યે પહોંચાડવી એ આ પ્રોજેક્ટની વિશેષતા છે. અત્યાર સુધી અમદાવાદમાં યોજાયેલી ‘અભિવ્યક્તિ’ની 7 આવૃત્તિઓમાં 2,500 થી વધુ કલાકારો દ્વારા 550 થી વધુ વિશિષ્ટ કલાત્મક રજૂઆતો કરવામાં આવી છે, જેનો 10 લાખથી વધુ કલારસિકોએ આનંદ માણ્યો છે.

કલા અને સંસ્કૃતિના આ અનોખા ઉત્સવના કાર્યક્રમોની વિગતવાર યાદી જાણવા માટે www.abhivyaktiart.org ની મુલાકાત લો અથવા વધુ માહિતી માટે 7069104444/7069105555 પર સંપર્ક કરો. આ તમામ કાર્યક્રમોમાં પ્રવેશ નિઃશુલ્ક છે; સહભાગી થવા માટે https://register.abhivyaktiart.org/ પર અવશ્ય નોંધણી કરાવો.

આપ ‘અભિવ્યક્તિ’ એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી પોતાની મનપસંદ કલાત્મક પ્રસ્તુતિઓ માણવા માટે અગાઉથી બુકિંગ પણ કરાવી શકે છે.

ઓડિયન્સ એપ (એન્ડ્રોઇડ): https://play.google.com/store/apps/details?id=com.abhivyakti.app&pcampaignid=web_share

ઓડિયન્સ એપ (એપલ): https://apps.apple.com/us/app/abhivyakti-city-art/id6755138853

યુએનએમ ફાઉન્ડેશન વિશે

યુએનએમ ફાઉન્ડેશન એ ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર મહેતા પરિવારની પરોપકારી અને સમાજ સેવાલક્ષી સંસ્થા છે. ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ પર અર્થપૂર્ણ અને દીર્ઘકાલીન હકારાત્મક પ્રભાવ ઊભો કરવાનો છે. આ હેતુસર ફાઉન્ડેશન ચાર મુખ્ય ક્ષેત્રો, સામુદાયિક આરોગ્ય સંભાળ, શિક્ષણ, પર્યાવરણ તથા કલા અને સંસ્કૃતિમાં સક્રિયપણે કાર્યરત છે.

સામુદાયિક આરોગ્ય સંભાળ

આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને સુદૃઢ બનાવાનો ઉદ્દેશ્ય સાથે યુએનએમ ફાઉન્ડેશન દ્વારા અનેક આરોગ્ય સંભાળ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. તેમાં અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે આવેલી ‘યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર’, સુરતના કામરેજ ખાતે આવેલી ‘યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ’ તેમજ અમદાવાદ સ્થિત ‘સંકલન ન્યુરોરિહેબિલિટેશન કેન્દ્ર’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારા ખાતે મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના નિર્માણની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. ફાઉન્ડેશન દ્વારા બાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું સંચાલન, એનિમિયા અને કુપોષણની તપાસ માટે આરોગ્ય શિબિરો તેમજ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

શિક્ષણ

શિક્ષણના ક્ષેત્રે ‘શિક્ષાસેતુ – લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ’ અંતર્ગત પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને તેમની વય અને શૈક્ષણિક ધોરણને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે. ‘સેકન્ડ ચાન્સ પ્રોગ્રામ’ દ્વારા શાળા છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) મારફતે ધોરણ 10 નું શિક્ષણ પૂર્ણ કરવામાં સહાય પૂરી પાડવામાં આવે છે. જ્યારે ‘શારદાશિષ’ પહેલ હેઠળ શાળાઓની માળખાકીય સુવિધાઓનું નવીનીકરણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પર્યાવરણ

પર્યાવરણ સંરક્ષણ અને જાહેર સ્થળોના સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે ‘પ્રતીતિ’ પહેલ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે જાહેર-ખાનગી ભાગીદારીના માધ્યમથી જાહેર ઉદ્યાનો, તળાવો તેમજ શહેરી અને અર્ધશહેરી વિસ્તારોનાં અન્ય જાહેર સ્થળોના પુનઃસ્થાપન અને જાળવણીની કામગીરી કરવામાં આવે છે. ગુજરાતમાં આ પહેલ હેઠળ 8.44 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા 17 ઉદ્યાનો અને હરિયાળા વિસ્તારોના વિકાસ તથા જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર તથા તેની આસપાસનાં 24 તળાવોના પુનઃસ્થાપન અને જાળવણી તેમજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના 42 કિલોમીટર લાંબા એસજી હાઇવેના પટ્ટાના સંવર્ધનનું કાર્ય પણ કરવામાં આવે છે.

કલા અને સંસ્કૃતિ

કલા અને સંસ્કૃતિને સમાજ જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા તથા તેને દરેક વ્યક્તિ સુધી સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યુએનએમ ફાઉન્ડેશન દ્વારા ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ નું આયોજન કરવામાં આવે છે. આ પહેલ કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા ઉપરાંત ઊભરતી પ્રતિભાઓને પોતાની સર્જનાત્મકતા રજૂ કરવા માટે યોગ્ય મંચ અને તકો પૂરી પાડે છે. આ ઉપરાંત, ફાઉન્ડેશન દ્વારા કોબા ખાતે આવેલા ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ નું સંચાલન કરવામાં આવે છે, જ્યાં જૈન ધર્મ સાથે સંકળાયેલી મૂલ્યવાન પુરાતત્્વીય કલાકૃતિઓ અને પ્રાચીન હસ્તપ્રતોનો સમૃદ્ધ સંગ્રહ સચવાયેલો છે.

વિવિધ પહેલો દ્વારા યુએનએમ ફાઉન્ડેશન અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકોના જીવન પર હકારાત્મક પ્રભાવ પાડી ચૂક્યું છે. સમાજના વિવિધ વર્ગો સુધી વિકાસ અને સુવિધાઓના લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે ફાઉન્ડેશન અર્થપૂર્ણ અને કાયમી સામાજિક પરિવર્તન માટે સતત કાર્યરત છે.


આ પણ વાંચો: India News: કેન્દ્ર સરકારે ફરી લોકસભા અને રાજ્યસભાનું એક દિવસનું વિશેષ સત્ર