અમદાવાદમાં શહેર પોલીસે વધુ એક એન્કાઉન્ટર કર્યું છે. ચંડોળા તળાવમાં પોલીસે આરોપીને પકડવા જતાં આરોપીએ છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશ્નરને ઈજા પહોંચી હતી. જોઈન્ટ કમિશ્નર શરદ સિંઘલે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીએ પોલીસની પકડમાંથી છૂટવા માટે ચાકુથી હુમલો કર્યો હતો.ગેરકાયદે હથિયારો અંગે બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
નશાની હાલતમાં હોવાથી અચાનક ઉગ્ર બની ગયો
જેસીપી શરદ સિંઘલે કહ્યું હતું કે, અમદાવાદમાં હિસ્ટ્રીશીટર કલીમની અગાઉ પણ તલાશી લેવામાં આવી ચૂકી હતી. ઘટનાના દિવસે જ્યારે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તે નશાની હાલતમાં હોવાથી અચાનક ઉગ્ર બની ગયો હતો. ઉશ્કેરાટમાં આવીને તેણે ત્યાં રસોડામાં પડેલી છરી ઉઠાવી સીધો હુમલો કરી દીધો હતો જેમાં જેસીપીના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. આત્મરક્ષા માટે જેસીપીએ તાત્કાલિક પગલાં લેતા પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.
4 ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા
આ સમગ્ર કાર્યવાહી અંગે જેસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી પાસેથી કુલ ચાર ઘાતક હથિયારો અને કારતૂસ મળી આવ્યા છે. હાલમાં આ હથિયારોનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ સંકળાયેલું છે, તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,આ ઘટના હિસ્ટ્રીશીટર કલીમની ધરપકડ કરવાના પ્રયાસ દરમિયાન બની હતી. ગેરકાયદેસર હથિયારો હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ સાદા કપડામાં આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહી હતી. આરોપી પાસેથી કુલ 4 ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.
પોલીસ તંત્ર આ ગંભીર ઘટનાને લઈને સતર્ક
આરોપી કલીમ અગાઉ પણ તપાસના દાયરામાં હતો અને તેની તલાશી લેવામાં આવી હતી. જે સમયે આ હુમલો થયો, ત્યારે આરોપી નશાની હાલતમાં હતો. તેણે ઓળખવામાં ભૂલ કરી હતી અને તેને ખ્યાલ ન હતો કે મારી સાથે જે અધિકારી છે તે જેસીપી છે. પૂછપરછ દરમિયાન નશામાં હોવાને કારણે આરોપી એકાએક ઉગ્ર બની ગયો હતો અને તેણે મારા પર હુમલો કર્યો હતો. પોલીસ તંત્ર આ ગંભીર ઘટનાને લઈને સતર્ક છે અને આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : 25 ગુનાના આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે ફાયરિંગ કર્યું