અમદાવાદના સોલા વિસ્તારમાં ગઇકાલે બાઇક પાછળ શ્વાનને બાંધીને ઘસડવાના કમકમાટીભર્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને હવે આરોપીએ પોતાના આ કૃત્ય પાછળનું કારણ જણાવ્યું છે. પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીની ઓળખ કરીને તેને ઝડપી પાડ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ એક શ્વાનને બાઇક સાથે બાંધીને રસ્તા પર ઢસડ્યું હતું. જેના કારણે તે શ્વાનનું મોત થયું હતું.


ગઈકાલે શ્વાનને ઘસડવાનો વીડિયો થયો હતો વાયરલ

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ આ કૃત્ય કર્યાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે થોડા સમય પહેલા તેના સંતાનને આ શ્વાન કરડ્યું હતું. આ ઘટનાથી તે ગુસ્સે ભરાયો હતો અને આ ગુસ્સામાં તેણે આ અમાનવીય કૃત્ય કર્યું હતું. શ્વાનને બાઇક પાછળ બાંધીને ઘસડતા હોવાનો વીડિયો ગઇકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને જોઇને અનેક લોકોએ આ કૃત્યની સખત નિંદા કરી હતી. પશુ કલ્યાણ સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી અને તેમણે જ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

સંતાનને શ્વાન કરડ્યું હોવાથી કૃત્ય કર્યાની કબુલાત

જોકે આરોપીના કબૂલાતનામું છતાં પણ પશુઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા દાખવવી એ કાયદાકીય રીતે ગુનો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર પશુઓ પ્રત્યે માનવીની ક્રૂરતા અને અસંવેદનશીલતાને ઉજાગર કરે છે. જ્યારે કાયદો આવા કૃત્યોને મંજૂરી આપતો નથી.


  • Follow us on: