અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની રજા-ચિઠ્ઠી કે મંજૂરી વગર ઉભા કરી દેવાયેલા બિલ્ડિંગ પર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થળે ગેરકાયદેસર રીતે બાંધકામ ધમધમી રહ્યું હતું, જેને લઈને મનપામાં પણ ફરિયાદો ઉઠી હતી.

નોટિસ અને સીલ છતાં ચાલુ રાખ્યું બાંધકામ

મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે અગાઉ મનપા દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ બંધ ન થતાં AMC ની ટીમે આ બિલ્ડિંગને સીલ કરી દીધું હતું. જોકે, બિલ્ડર કે નિર્માણકર્તાએ મનપાના સીલની પણ કોઈ પરવા કર્યા વગર સીલ મારેલી બિલ્ડિંગમાં જઈને છૂપી રીતે બાંધકામ ચાલુ જ રાખ્યું હતું.

કાયદાનો અનાદર કરનારા સામે આકરી કાર્યવાહી

સીલનો અનાદર કરીને ફરીથી બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હોવાની જાણ થતાં જ AMC ની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરી દીધી હતી. મનપાએ કડક વલણ અપનાવીને આખું ગેરકાયદે માળખું તોડી પાડ્યું હતું. AMC ની આ સપાટાબંધ કાર્યવાહીથી શહેરમાં પરવાના વગર ગેરકાયદે બાંધકામ કરનારા તત્વો અને બિલ્ડરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, 65 ગરીબો પાસેથી રૂ.8.63 લાખ પડાવાયા