અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પ્રોજેક્ટ્સ અને પ્લાન્ટ્સ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને વારંવાર ગંભીર સવાલો ઊભા થતા રહ્યા છે. તાજેતરમાં સોલા એસટીપી (STP) પ્લાન્ટ ખાતે એક કમનસીબ મજૂરનું મોત નીપજવાની ઘટના સામે આવી હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે આખરે AMC તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને પ્લાન્ટનું સંચાલન કરતી જવાબદાર એજન્સી સામે ગંભીર કાર્યવાહી કરતા રૂ. 50 લાખનો ભારેખમ દંડ ફટકાર્યો છે તેમજ મૃતકના પરિવારજનોને રૂ. 30 લાખની આર્થિક સહાય ચૂકવવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે.
હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
એક તરફ તંત્ર દ્વારા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે, તો બીજી તરફ આ ઘટનામાં ગંભીર બેદરકારી સામે હોવા છતાં મનપા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ અંગે સવાલો ઉઠતા અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) ના સત્તાવાર રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. PMC નો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું અધિકારીઓનું કહેવું છે.
