અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાસંબંધી ચોંકાવનારી ઘટનાઓ વચ્ચે શાહપુર વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. અગાઉ મિરઝાપુરના પ્રીમિયર શોપિંગ સેન્ટર પાસે ચાર અજાણ્યા શખ્સો દ્વારા ચપ્પાના ઘા મારીને રૂ. 15 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ એક વેપારી દ્વારા નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં વેપારીના હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ અને ચપ્પાના ઘા લાગ્યા હોવાનું જણાવાયું હતું, જેના કારણે પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને સઘન તપાસ શરૂ કરી હતી.
બેંક લોન અને વીંસીના રૂ. 22.50 લાખ ચૂકવવાના હતા
શાહપુર પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage), ટેકનિકલ સર્વેલન્સ અને FSL (ફોર્રેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદથી વૈજ્ઞાનિક ઢંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે વેપારીને બેંક લોનના હપ્તા અને વીંસીના મળીને કુલ રૂ. 22.50 લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી અને ભારે આર્થિક સંકડામણ ચાલી રહી હતી. આ દેવામાંથી છૂટકારો મેળવવા માટે વેપારીએ ખુદ પોતાની જાતને ઈજાઓ પહોંચાડી હતી અને ચાર અજાણ્યા શખ્સો લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હોવાની ખોટી લૂંટની કહાની ઊભી કરી હતી જેની પોલીસે સત્તાવાર કબૂલાત મેળવી છે.
