પ્રસારણ માધ્યમ 'સંદેશ ન્યૂઝ' દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. AMC ના આરોગ્ય વિભાગની વિશેષ ટીમ દ્વારા કાલુપુર સ્થિત માવા બજારમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે રેપિડ કીટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો.

એકપણ વેપારી પાસે રેપિડ કીટ ન મળી

તપાસ દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી કે કાલુપુર માવા બજારમાં તપાસ કરવા પહોંચેલી ટીમને એકપણ વેપારી પાસે રેપિડ કીટ મળી ન હતી. જો કે, અગાઉથી જ AMC દ્વારા એક મહિના પહેલાં તમામ વેપારીઓને રેપિડ કીટ વસાવી લેવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા, છતાં નિયમોનું પાલન ન થયાનું બહાર આવ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને AMC દ્વારા વેપારીઓને માત્ર એક દિવસમાં જ કીટ વસાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આવતીકાલે સાંજે ફરી તપાસ થશે, કીટ નહીં મળે તો થશે કડક દંડાત્મક કાર્યવાહી

AMC ના આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આવતીકાલે સાંજે ફરીથી કાલુપુર માવા બજારમાં તપાસ હાથ ધરવામાં આવશે. જો તે સમયે પણ વેપારીઓ પાસે રેપિડ કીટ નહીં મળે, તો તેમના સામે કાયદેસરની અને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે AMC દ્વારા અત્યાર સુધીમાં 300 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, છતાં વેપારીઓની બેદરકારી સામે આવતા તંત્ર હવે કડક રૂપેણું અપનાવી રહ્યું છે.

આ પણ વાંચો : Porbandarમાં રેલવે ટ્રેક પર મોટી ઘટના, PGVCL કચેરી નજીક શન્ટિંગ કરતી વખતે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં દોડધામ!