પોરબંદર શહેરમાંથી રેલવે વિભાગને લગતી એક મોટી અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. શહેરની PGVCL કચેરી નજીક આવેલા રેલવે ટ્રેક પર પોરબંદર-શાલીમાર ટ્રેનના કોચ શન્ટિંગ કરતી વેળાએ અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ ઘટના બનતા જ રેલવે કર્મચારીઓમાં અને સ્થાનિક સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ટળી હતી, પરંતુ ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી રેલવે તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.

શન્ટિંગ વખતે સર્જાયેલી ઘટનાનું ચોક્કસ કારણ હજુ અકબંધ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ બનાવ પોરબંદર-શાલીમાર ટ્રેનની શન્ટિંગ કામગીરી દરમિયાન બન્યો હતો. જો કે, ટ્રેન કયા કારણોસર પાટા પરથી નીચે ઉતરી તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ટ્રેનને ફરી પાટા પર ચડાવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

ઘટનાની જાણ થતાં જ રેલવેના વિશેષ સ્ટાફે સ્થળ પર પહોંચીને ટ્રેનને ફરીથી પાટા પર લાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. ક્રેન અને અન્ય જરૂરી સાધનોની મદદથી કોચને સુરક્ષિત રીતે ટ્રેક પર પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. રેલવે વિભાગ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય.

આ પણ વાંચો : Ahmedabad News : અચાનક કેમ વધી ગયા હોસ્પિટલોમાં દર્દીઓ? બાળકોના સ્વાસ્થ્યને લઈને ડોક્ટરોએ આપી મોટી ચેતવણી!