હાલમાં બદલાતી અને મિશ્ર ઋતુના કારણે સમગ્ર રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાંથી સામે આવેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે, જ્યાં તાજેતરમાં 12,293 જેટલા ઓપીડી (OPD) કેસ નોંધાયા છે. બદલાતા વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

1233 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

વાયરલ ઇન્ફેક્શનની સાથે-સાથે મચ્છરજન્ય રોગો પણ બેફામ બન્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર સામાન્ય તાવ કે શરદી જ નહીં, પરંતુ ગંભીર કેસોમાં 1,233 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. જેમાં ડેન્ગ્યુના 12 અને મેલેરિયાના 12 દર્દીઓનો પણસમાવેશ થાય છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, શરદી અને ઉધરસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે, જે વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

તબીબો દ્વારા સાવચેતી અને વિશેષ સલાહ પાળવા અપીલ

આ ગંભીર પરિસ્થિતિને જોતા તબીબો દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અને તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. પીવા માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો, ખાવા-પીવામાં કાળજી રાખવી અને ઘરમાં મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જો તાવ કે શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે જેથી રોગને વકરતો અટકાવી શકાય.

આ પણ વાંચો : Ahmedabadની D.A.V. સ્કૂલમાં ભવ્ય 'એકાવન કુંડી યજ્ઞ-હવન', 51 ઔષધીય વનસ્પતિઓથી મહેકી ઉઠી શાળા