અમદાવાદ શહેરના પોશ ગણાતા સીજી રોડ (C.G. Road) પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી હાઈટેક 'ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ' ફ્લોપ સાબિત થઈ રહી છે. તંત્રના "આરંભે શૂરા, અંતે અધૂરા" જેવા વલણને કારણે કરોડોના ખર્ચે અમલી કરાયેલી આ સ્માર્ટ સિસ્ટમમાં અનેક છિદ્રો સામે આવ્યા છે. યોગ્ય અમલીકરણ અને મોનિટરિંગના અભાવે આયોજન કાગળ પર જ સારું દેખાય છે પરંતુ ધરાતલ પર નિષ્ફળ નીવડ્યું છે.

QR સ્કેન વગર જ પાર્કિંગ, બે ફ્લેપ વચ્ચે ગાડીઓ ગોઠવવાની ચાલાકી

સીજી રોડ પર કુલ 280 સ્થળોએ ફ્લેપ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે, પરંતુ વાહનચાલકો નિયમોની ધૂળધાણી કરી રહ્યા છે. શિસ્તબદ્ધ રીતે QR કોડ સ્કેન કરીને પાર્કિંગ ફી ચૂકવવાને બદલે લોકો બે ફ્લેપની વચ્ચેની જગ્યામાં કાર પાર્ક કરીને રવાના થઈ જાય છે. પરિણામે સેન્સર કે ફ્લેપ લોક થતા નથી અને લોકો QR સ્કેન કર્યા વિના જ પાર્કિંગનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી તંત્રની મહેસૂલી આવકને પણ મોટો ફટકો પડી રહ્યો છે.

ટુ-વ્હીલર માટે અધૂરી વ્યવસ્થા, કડક મોનિટરિંગની માંગ

આ સિસ્ટમમાં માત્ર ફોર-વ્હીલર જ નહીં, પણ ટુ-વ્હીલર વાહનચાલકો માટે પણ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી. અધૂરી સુવિધાઓ અને નબળા સિક્યોરિટી પ્લાનિંગને કારણે સીજી રોડ પર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા જસની તસ રહી છે. મહાનગરપાલિકા તંત્ર આ ટેકનોલોજી આધારિત યોજનાનું કડક મોનિટરિંગ કરે અથવા નિયમભંગ કરનારા સામે દંડનાત્મક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Patan યુનિવર્સિટી MBBS ગુણ કૌભાંડ, નાપાસમાંથી પાસ કરવાના ખેલમાં વધુ એક આરોપી પરિમલ પટેલ ઝડપાયો