પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના ચર્ચિત MBBS ગુણ કૌભાંડમાં પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. નાપાસ વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પાસ કરાવવાના આ કૌભાંડમાં સામેલ પરિમલ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ વર્ષ 2018 માં લેવાયેલી પ્રથમ વર્ષ MBBS ની પરીક્ષા દરમિયાન આચરવામાં આવ્યું હતું, જેમાં નકલી ઉત્તરવહીઓ ઊભી કરીને માર્ક્સમાં મોટાપાયે હેરાફેરી કરવામાં આવી હતી.
નકલી ઉત્તરવહીઓ અને બોગસ સહીઓથી નાપાસને પાસ કરવાનો આક્ષેપ
પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા બહારથી નકલી ઉત્તરવહીઓમાં સાચા જવાબો લખાવવામાં આવતા હતા અને ત્યારબાદ યુનિવર્સિટીની અસલ ઉત્તરવહીઓની જગ્યાએ તેને ચાલાકીપૂર્વક ગોઠવી દેવામાં આવતી હતી. આટલું જ નહીં, ઉત્તરવહીઓ પર પ્રોફેસરોની બોગસ સહીઓ કરીને અને કોમ્પ્યુટર સિસ્ટમમાં ખોટી માર્ક્સ એન્ટ્રીઓ કરીને નાપાસ થયેલા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવતા હતા.
