સુઈગામના વતની અને સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય એવા ઈન્સ્ટાગ્રામ સ્ટાર 'ગુજ્જુ લવગુરુ' ઉર્ફે ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ તેમના વતનમાં બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાસ હાજરી આપીને સ્વ. ચંદન રાઠોડને ભાવંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

નેતાઓની ભાવુક શ્રદ્ધાંજલિ અને અકસ્માતની કરુણ ઘટના

બેસણા દરમિયાન અગ્રણીઓએ ચંદન રાઠોડના વ્યક્તિત્વને યાદ કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાવુક બનીને જણાવ્યું હતું કે, "ચંદન સરહદી વિસ્તારના વગડામાં ખીલેલું એક ફૂલ હતો." જ્યારે મંત્રી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કર્યું હતું કે તેના જવાથી વાવ-થરાદ પંથકમાં એક મોટી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, ભાભર નજીક 17 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાના સુમારે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં ઈન્સ્ટાગ્રામ સ્ટાર ચંદન રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું.

ચાહકોમાં શોકનું મોજું અને સોશિયલ મીડિયા પર ભાવુક વિદા

પોતાની આગવી શૈલીથી લાખો ચાહકોના દિલ જીતનાર આ લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટારના અકાળે અવસાનથી તેના પરિવાર સહિત સુઈગામ અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ભારે શોકની કાળી ડિબંગ છાયા વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ચાહકો અને ડિજિટલ ક્રિએટર્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ્સ શેર કરવામાં આવી રહી છે, જેમાં ચંદન રાઠોડના વીડિયોઝ અને યાદોને શેર કરીને ચાહકો અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો : Morbi સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા, કાચા કામના આરોપી પાસેથી મોબાઈલ અને સિમ કાર્ડ ઝડપાયા