મોરબી શહેર સ્થિત સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. જેલ પ્રશાસન અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક જડતી (ચેકિંગ) ની કામગીરી દરમિયાન જેલની અંદરથી બિનઅધિકૃત રીતે રાખવામાં આવેલો એક મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે જેલ તંત્ર અને સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સર્કલ-2 ની ખોલીમાંથી કાચા કામના આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત
મળતી વિગતો અનુસાર, જેલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન સબ જેલના સર્કલ નંબર 2 માં આવેલી ખોલી નંબર 2 માંથી આ જપ્તી કરવામાં આવી છે. અહીં બંધ કાચા કામના આરોપી ફારુખ અલ્લારખા ભટી પાસેથી આ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 1,000 ની કિંમતનો આ મોબાઈલ તથા સિમ કાર્ડનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
