અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેની ક્ષતિગ્રસ્ત ડિઝાઇનને કારણે ઘણીવાર વિવાદો સર્જાય છે. નવનિર્મિત મકરબા બ્રિજની ડિઝાઇનને લઇને પણ આવો જ મોટો વિવાદ સામે આવ્યો છે. આ બ્રિજ પ્રહલાદનગર તરફ ઉતારવામાં આવ્યો છે ત્યાં જ ચાર રસ્તા આવેલા છે. તંત્ર દ્વારા જંક્શનથી દૂર બ્રિજ ઉતારવાના બદલે બરાબર ચાર રસ્તા પાસે જ બ્રિજ પૂરો કરી દેવામાં આવતાં AMC ના આયોજન સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.

ચાર રસ્તા પાસે જ બ્રિજ ઉતારતાં અડધા બ્રિજ સુધી વાહનો અટવાવાની ભીતિ

બ્રિજનું નિર્માણ ટ્રાફિક ફ્રી અવરજવર માટે કરવામાં આવતું હોય છે, પરંતુ આ કિસ્સામાં પ્રહલાદનગર ચાર રસ્તા પાસે જ બ્રિજ ઉતરતો હોવાથી પિક આવર્સમાં વાહનોની ભારે ભીડ સર્જાશે. નિષ્ણાતો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં જો આ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવશે તો લાલ લાઈટ થતાં જ વાહનોની લાંબી લાઈનો સીધી અડધા બ્રિજ સુધી પહોંચી જશે. આ પરિસ્થિતિના કારણે બ્રિજ પરથી ઉતરતાં અને નીચે માર્ગ પરથી આવતાં વાહનો સામસામે આવી જતાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

રૂ.98.60 કરોડના આયોજન સામે વાહનચાલકોમાં ભારે રોષ

આ સમગ્ર ફ્લાયઓવર બ્રિજ રૂ. 98.60 કરોડના મોટા ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં જો ભવિષ્યની જરૂરિયાતો અને યોગ્ય એન્જિનિયરિંગ ડિઝાઇનને ધ્યાનમાં ન રાખવામાં આવે તો આ નાણાંનો વ્યય થયો હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોએ મનપાની આવી લોચરહિત કામગીરી અને એન્જિનિયરિંગ પ્લાનિંગ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર પાસે માંગ કરી છે.

આ પણ વાંચો : Kheda News : કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, નિરમાલી પાસે રૂ. 22.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો!