અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે રમત રમતા ભેળસેળીયાઓ બેફામ બન્યા છે. ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળનો સિલસિલો યથાવત રહેતાં ખાદ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણીના એકમો પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન દાળવડા બનાવતા એક એકમમાંથી લેવાયેલા તળેલા તેલના સેમ્પલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 32.1% જેટલું અત્યંત ઘાતક અને વધુ પડતું મળી આવ્યું હતું. નિયમ મુજબ 25%થી વધુ TPC ધરાવતું તેલ વપરાશ માટે ઝેર સમાન ગણાય છે, છતાં વેપારીઓ સરરેઆમ ધારાધોરણોનો ભંગ કરી રહ્યા હતા.
ચેનપુરના ‘શ્રીજી કેરીનાં ઘી’માં ગેરરીતિ
આ ઉપરાંત ખાદ્ય વિભાગની ટીમે ચેનપુર વિસ્તારમાં આવેલા ‘શ્રીજી કેરીનાં ઘી’ના ઉત્પાદન એકમ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન શુદ્ધ ગાય-ભેંસના ઘીના નામે મોટો ખેલ ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. લેબોરેટરી તપાસમાં ઘીના સેમ્પલમાં અસલી ફેટના સ્થાને વનસ્પતિ તેલ/વેજિટેબલ ફેટની મોટી માત્રામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકો સાથે આચરવામાં આવતી આ ખુલ્લી ગેરરીતિ અને ઠગાઈ બદલ ખાદ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ એકમને સીલ કરી દેવામાં આવ્યું છે.
