PM નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 'સેવાના રંગો, રાષ્ટ્રના સંગ' સંદેશ સાથે એક ભવ્ય માનવ આકૃતિ (રંગોળી) કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના અદ્ભુત ઉત્સાહને બિરદાવ્યો હતો.
6,500 વિદ્યાર્થીઓએ સપ્તરંગી માનવ આકૃતિથી રચ્યો ઇતિહાસ
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના આશરે સાડા છ હજાર (6,500) જેટલા વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઓરેન્જ, યેલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લ્યૂ અને વ્હાઇટ જેવા સપ્તરંગોના સમૂહમાં એકસાથે જોડાઈને ભારત દેશની આકર્ષક માનવ રંગોળી રચી હતી. વિદ્યાર્થીઓની શિસ્ત, સર્જનાત્મકતા અને સામૂહિક ભાગીદારીથી સમગ્ર GMDC ગ્રાઉન્ડ રાષ્ટ્રભાવના અને દેશભક્તિના રંગોથી રંગાઈ ગયું હતું. આ દરમિયાન મા અંબાના ગરબાના સૂર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બન્યું હતું.
