સુરત શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ સર્જાયેલા પાણીના ભરાવા અને ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે. શહેરમાં તાવ, ઝાડા અને ઊલટીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. રોગચાળાના આ કહેરમાં વધુ બે લોકોના સારવાર દરમિયાન કરૂણ મોત નીપજતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પાંડેસરામાં મહિલા સફાઈકર્મી અને લસકાણામાં રિક્ષાચાલકે જીવ ગુમાવ્યો
મૃતકો અંગે મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય મહિલા ટીનાબેન જવેશ જાટીયાને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે તાવ, ઝાડા અને ઊલટીની ફરિયાદ હતી, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સિવાય લસકાણા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રિક્ષાચાલક શ્યામકુમાર અમીચંદ રાઠોડને પણ છેલ્લા ત્રણ દિવસથી તાવ અને ઝાડા-ઊલટી થતા હતા, જેમનું પણ કરૂણ અવસાન થયું છે.
