અમદાવાદના પીરાણા-વિશાલા રૂટ પર આવેલા શાસ્ત્રી બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જર્જરિત થઈ ચૂકેલા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, કાયદાના ધજાગરા ઉડાડીને દિવસ-રાત ઓવરલોડ ડમ્પરો અને ટ્રકો બેરોકટોક દોડી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને શંકાસ્પદ બાબત તો એ છે કે ભારે વાહનોને બ્રિજ પર પ્રવેશતા રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની મજબૂત એંગલો જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે! દિવસદહાડે હજારો વાહનચાલકોની હાજરી વચ્ચે દોડતા આ ઓવરલોડ રાક્ષસી વાહનો જર્જરિત બ્રિજનું આયુષ્ય તો ઘટાડી જ રહ્યા છે, સાથે નિર્દોષ નાગરિકોની જિંદગીને પણ મોતના મુખમાં ધકેલી રહ્યા છે.

ખાખી અને તંત્રની મિલીભગત? 

પ્રતિબંધિત માર્ગ પરથી ખુલ્લેઆમ ભારે વાહનો પસાર થાય અને રસ્તા પરથી લોખંડની એંગલો ગાયબ થઈ જાય છતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં ઝડપાયેલું રહે, તે તંત્રની દાનત સામે ગંભીર સવાલો ઊભા કરે છે. કડક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાના દાવાઓ વચ્ચે પણ આ ઓવરલોડ વાહનો કોના આશીર્વાદથી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે? આ જોખમી સવારી પાછળ કયા અધિકારીઓની રહેમનજર કે હપ્તાખોરી કામ કરી રહી છે? કાયદાનું પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસની આ નપુંસકતા અને ગુનાહિત આંખ આડા કાન કરવાની નીતિ જ અસામાજિક અને બેફામ વાહનચાલકોને પ્રોત્સાહન આપી રહી છે.

મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

જર્જરિત બ્રિજ પર દરરોજ હજારો ટન ઓવરલોડ ક્ષમતા ધરાવતા વાહનોને છૂટો દોર આપીને તંત્ર એક મોટા અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે. જો આવતીકાલે આ બ્રિજ ધસી પડે કે કોઈ મોટો અકસ્માત થાય અને નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવે, તો એ લોહીના ડાઘ કોના હાથ પર લાગશે? શું હોનારત સર્જાયા પછી જ કાગારોળ મચાવતું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે? ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ મામલે કડક સંજ્ઞાન લે, ગાયબ થયેલી લોખંડની એંગલો ફરીથી લગાવે અને જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે આકરા પગલાં ભરે તે અત્યંત જરૂરી છે, નહિતર જનતાનો આક્રોશ તંત્ર પર ભારે પડશે.

આ પણ વાંચો : Suratમાં ઓડિશાથી ડ્રગ્સ વેચવા આવેલા ITIના છાત્રો ઝબ્બે, રૂ.1.40 લાખના બ્રાઉન શુગર સાથે 3 પકડાયા!