સુરત શહેરના સચિન વિસ્તારમાંથી પોલીસે માદક પદાર્થોના કારોબાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ મોટી સફળતા મેળવી છે. સચિન પોલીસે ઓડિશાથી સુરત ખાતે બ્રાઉન શુગર વેચવા આવેલા 3 ઈસમોની અટકાયત કરી છે, જેમાં ITI ઇલેક્ટ્રિકલ ઇજનેરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 7.02 ગ્રામ બ્રાઉન શુગરનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.1.40 લાખ થવા જાય છે.
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ બન્યા સપ્લાયર
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં પકડાયેલા આરોપીઓ જીબાન, ચિન્મય અને ચંદ્રશેખર ITI ઇલેક્ટ્રિકલ ઇજનેરીનો અભ્યાસ કરી રહ્યા હોવાનું ખુલ્યું છે. આરોપી ચિન્મયે અન્ય સાથીઓને ઓડિશાથી સુરત સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાના બદલામાં રૂ.10 થી 1૫ હજાર કમિશન આપવાની લાલચ આપી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વિગત જોઈને કરણ નામનો યુવક પણ રૂ.3 લાખ કમાવાની લાલચમાં આ કાળા કારોબારમાં પડ્યો હતો. આરોપીઓ સુરતના સ્થાનિક વિસ્તારોમાં 2 મિલિગ્રામની નાની-નાની પડીકીઓ બનાવીને ડ્રગ્સ વેચવાની ફિરાકમાં હતા.
