ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) વિભાગમાં કલાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા મદદનીશ પ્રયોજના અધિકારી સુનિલ ચૌધરીનું રહસ્યમય સંજોગોમાં એસિડ પી જવાને કારણે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. મૃતક સુનિલ ચૌધરી વેરાવળના ડાભોર રોડ પર ભાડાના મકાનમાં રહેતા હતા અને માત્ર બે માસ પૂર્વ જ તેમની કચ્છના અબડાસાથી બદલી થઈને ગીર સોમનાથ ખાતે નિમણૂક કરવામાં આવી હતી. આઠમની રાત્રે બનેલી આ ઘટનાથી સરકારી આલમ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે શોકની કાલિમા વ્યાપી ગઈ છે.
પ્રથમ વેરાવળ અને ત્યારબાદ રાજકોટ ખસેડાયા
મળતી વિગતો અનુસાર, આઠમની રાત્રે સુનિલ ચૌધરીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું, જેના કારણે તેમની તબિયત અત્યંત લથડી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને ત્વરિત વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે આખરી શ્વાસ લીધા હતા. પ્રાથમિક તપાસમાં મામલતદાર સમક્ષ નોંધાયેલા ડાઈંગ ડિક્લેરેશન (DD) માં તેમણે ભૂલથી એસિડ પી લીધું હોવાનું નિવેદન આપ્યું હતું.
