અમદાવાદના અત્યંત વ્યસ્ત ગણાતા ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટું જોખમ ઊભું થયું છે. ભૂતકાળમાં બનેલા ચકચારી ડબલ અકસ્માત બાદ બ્રિજ પર વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તંત્ર દ્વારા માત્ર અડધા રસ્તા પર જ સ્પીડ બ્રેકર બનાવીને કામ છોડી દેવામાં આવતાં વાહનચાલકો માટે આ અધૂરું કામ કાળ સમાન સાબિત થઈ રહ્યું છે.

ડાયવર્ઝન પહેલાં અધૂરા સ્પીડ બ્રેકર બન્યા કાળ

બ્રિજ પર જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેની બરાબર પહેલાં જ આ અધૂરા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. ઝડપથી આવતાં વાહનો અચાનક આ અધૂરા બમ્પ પરથી પસાર થતાં વાહન પરથી કાબૂ ગુમાવવાનો અને પાછળથી આવતા અન્ય વાહનો સાથે અથડાવવાનો ગંભીર ભય સર્જાયો છે. તંત્રની આ અડધીપડધી કામગીરીના કારણે સુરક્ષા વધવાને બદલે અકસ્માતનું જોખમ બેવડાઈ ગયું છે.

વાહનચાલકોમાં આક્રોશ, તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા માંગ

રોજિંદા ધોરણે આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનચાલકો તંત્રની આ અણઘડ અને અડધીપડધી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સમયસર આ સ્પીડ બ્રેકર સંપૂર્ણ અને યોગ્ય રીતે બનાવવામાં નહીં આવે તો ફરી એકવાર કોઈ મોટી ગંભીર હોનારત સર્જાઈ શકે છે. વાહનચાલકોએ તંત્ર પાસે માગણી કરી છે કે ડાયવર્ઝન પહેલાં યોગ્ય સાઈનબોર્ડ મૂકીને સ્પીડ બ્રેકરનું કામ તુરંત પૂર્ણ કરવામાં આવે.

આ પણ વાંચો : Ahmedabad: પશ્ચિમમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી પૂર્વે પોલીસનું વિશાળ કોમ્બિંગ; 23 ટીમો મેદાનમાં