આગામી ગણેશ મહોત્સવ અને નવરાત્રી જેવા ભવ્ય લોકઉત્સવો દરમિયાન શહેરની શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસ તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારો દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને ગુનાખોરી પર અંકુશ રહે તે માટે પશ્ચિમ વિસ્તારના વેજલપુર, વાસણા, સેટેલાઇટ, આનંદ નગર અને પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પોલીસનું મેગા કોમ્બિંગ
આ સઘન ચેકિંગ ઝુંબેશમાં 250થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર ઓપરેશનને સુચારૂ રીતે પાર પાડવા માટે કુલ 23 અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને છેલ્લા બે વર્ષ દરમિયાન શરીર સંબંધી (જેવા કે હુમલો, ધાકધમકી, કે જીવલેણ ઇજા પહોંચાડવી) ગંભીર ગુનાઓ આચરેલા આરોપીઓની યાદી અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. 23 ટીમોએ એકસાથે જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકીને આ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના નિવાસસ્થાને આકસ્મિક દરોડા પાડ્યા હતા.
