અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર અને ખાસ કરીને વેજલપુર-ફતેવાડીમાં દહેશતનો પર્યાય બનેલી “બાબુ કાલીયા ગેંગ” પર ઝોન-7 પોલીસે કાયદાનો સકંજો મજબૂત કર્યો છે. સંગઠિત ગુનાખોરી, હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી, હત્યાની કોશિશ, જીવલેણ હુમલા અને નાર્કોટિક્સ (NDPS) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગના 3 સાગરીતો સામે પોલીસ દ્વારા કડક ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં “બાબુ કાલીયા ગેંગ” સામે પોલીસની કાર્યવાહી

મુખ્ય આરોપી મુજાહિદ અલી ઉર્ફે બાબુ કાલીયા (રહે. ફતેવાડી) સામે વર્ષ 2017થી 2026 દરમિયાન DCB (ક્રાઇમ બ્રાન્ચ), વેજલપુર, વટવા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કુલ 17 ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કસ્ટડીમાં રહેલા બાબુ કાલીયાના કોર્ટમાંથી ૨ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

હત્યાની કોશિશ અને ડ્રગ્સના કાળો કારોબાર ચલાવતી ગેંગ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બાબુ કાલીયા સામે 2017માં DCBનો આર્મ્સ કેસ, 2022 અને 2025માં વેજલપુરમાં હુમલા અને ધાકધમકી, વટવામાં હત્યાની કોશિશ તથા દાણીલીમડામાં NDPS (ડ્રગ્સ) નો ગુનો નોંધાયેલો છે. આ સિવાય ૨૦૨૩માં મહેસાણા જિલ્લાના બાવલુમાં થયેલી હત્યાના કેસમાં શાર્પ શૂટરોને હથિયાર પૂરા પાડનાર તરીકે પણ તેનું નામ આરોપી તરીકે ખુલેલું છે.

બાબુ કાલીયા સામે નોંધાયેલા છે 17 ગંભીર ગુના

ગેંગનો બીજો આરોપી વસીમ ઉર્ફે ડેમો સામે 2025 અને 2026માં વેજલપુરમાં આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે, જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે ત્રીજો સાગરીત રોઝાનખાન ઉર્ફે શેઝાન સામે ત્રણ ગુના નોંધાયેલા છે અને તે હાલ નાસતો-ફરતો (વોન્ટેડ) છે. આ સમગ્ર સંગઠિત ગુનાખોરીના નેટવર્કની ઊંડાણપૂર્વકની તપાસ ACP એન-ડિવિઝન એસ.એમ. પટેલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Mahisagar: સાલૈયા પાસે રસ્તા પર કાર સળગી; 2 વર્ષના બાળક સાથે પિતાનો બચાવ