અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) માં તંત્રની ઘોર બેદરકારી અને પોલંપોલનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રસ્તાઓ પર દોડતી બે ઈલેક્ટ્રિકલ વેહિકલ (EV) બસોમાં એક જ સરખી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવીને મુસાફરોના પરિવહન માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. એક જ નંબર પ્લેટ સાથે બે અલગ-અલગ બસો રસ્તા પર દોડતી હોવાની જાણ થતાં જ મનપા અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બસોના AMTS કોર્ડ નંબર અલગ, પણ પાસિંગ નંબર એક જ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને EV બસોમાં AMTS દ્વારા આપવામાં આવતા સત્તાવાર કોર્ડ નંબર અલગ-અલગ લખેલા હતા, પરંતુ વાહન વ્યવહાર વિભાગના પાસિંગ નંબર (રજીસ્ટ્રેશન નંબર) બિલકુલ એક સરખા જ હતા. આ ગંભીર લોચો અને કાયદાકીય ઉલ્લંઘન સામે આવતાં જ AMTS વિભાગ ત્વરિત હરકતમાં આવ્યો હતો. સમાન નંબર પ્લેટ સાથે જાહેર માર્ગો પર બસ ચલાવવા બદલ સંબંધિત બસ ઓપરેટર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2101182498122436770

ઓપરેટરને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો

આ સમગ્ર ગંભીર મામલો AMTS વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતાની સાથે જ સંબંધિત બસ ઓપરેટરને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા ઓપરેટર પાસેથી આ અંગે તાત્કાલિક લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે કે એક જ નંબરની બે બસો રસ્તા પર કઈ રીતે દોડી રહી હતી. ઓપરેટરનો જવાબ આવ્યા બાદ આ મામલે જવાબદારો સામે વધુ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad News : 10 દિવસ પૂજ્યા, વિસર્જનના દિવસે રઝળ્યા! ગણેશ મૂર્તિઓની દુર્દશાએ ઊભા કર્યા અનેક સવાલ