દર વર્ષે ગણેશ વિસર્જન વખતે પર્યાવરણ બચાવવાનો ઢોંગ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ધર્મના નામે આસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. કૃત્રિમ કુંડ બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે વિઘ્નહર્તાની પવિત્ર પ્રતિમાઓ રોડ-રસ્તા પર અને કુંડની બહાર બિનવારસી હાલતમાં રઝળતી જોવા મળે તે અત્યંત શરમજનક અને આક્રોશજનક છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ વ્યવસ્થાઓ દર્શાવીને સંતોષ માની લેવાય છે, પરંતુ જમીની હકીકત એ છે કે અપૂરતી જગ્યા અને નબળા આયોજનના કારણે વિસર્જન કરવા આવેલા ભક્તો અડધેથી મૂર્તિઓ છોડી જવા મજબૂર બને છે. જેને દસ દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી પૂજીએ છીએ, તે જ બાપાની મૂર્તિઓ વિસર્જનના નામે કચરાની જેમ રઝળે તે આસ્થાનું ઘોર અપમાન નથી તો બીજું શું છે?

તંત્રની નાકામી કે ભક્તોની લાપરવાહી?

આ ધિક્કારપાત્ર સ્થિતિ માટે આખરે જવાબદાર કોણ છે? માત્ર નીતિ-નિયમો ઘડીને હાથ ઊંચા કરી લેતું તંત્ર કે પછી આસ્થાના આવેગમાં પર્યાવરણ અને પ્રતિમાના સન્માનને ભૂલી જતો ભક્તવર્ગ? પીઓપી (POP) ની મૂર્તિઓ પર પ્રતિબંધના પોકળ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાખોની સંખ્યામાં આ મૂર્તિઓ બજારમાં વેચાય છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને ઊંઘતું રહે છે. વિસર્જનના દિવસે કુંડ પર પહોંચેલા ભક્તોને 'POP ની મૂર્તિ અંદર નહીં ચાલે' કહીને અટકાવી દેવાય છે. જો તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કે મોટા કુંડ બનાવવાની ક્ષમતા નહોતી, તો છેલ્લી ઘડીએ આ બહાનાબાજી શા માટે? પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે તંત્ર અને ભક્તો એકબીજા પર દોષ ઘાલીને પાપમાંથી મુક્ત થઈ શકે તેમ નથી.

પર્યાવરણ અને આસ્થા બંનેનું સન્માન જળવાય તેવી નક્કર વ્યવસ્થાની જરૂર

હવે આ વાર્ષિક નાટક અને આસ્થા સાથેના ખિલવાડને તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૂર છે. પર્યાવરણનું જતન કરવું જેટલું અનિવાર્ય છે, તેટલું જ વિઘ્નહર્તાનું સન્માન જાળવવું એ દરેક નાગરિક અને શાસકોની પ્રાથમિક નૈતિક ફરજ છે. તંત્રએ માત્ર કૃત્રિમ કુંડના બેનરો મારીને સંતોષ માનવાને બદલે POP ની મૂર્તિઓના સાયન્ટિફિક અને સન્માનજનક વિસર્જન માટે વહેલી તકે કાયમી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ પડશે. બીજી તરફ, ભક્તોએ પણ માત્ર ઉત્સવ મનાવવા પૂરતી આસ્થા મર્યાદિત ન રાખતા માટીની મૂર્તિઓ અપનાવીને પર્યાવરણ પ્રત્યે સાચી ગંભીરતા દર્શાવવી પડશે. જો સમયસર તંત્ર અને સમાજ બંને નહીં જાગે, તો આસ્થા અને પર્યાવરણ બંનેનો વિનાશ નિશ્ચિત છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ઓડિટ વગર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 129 સ્કૂલોને ફટકારી નોટિસ