અમદાવાદ શહેરને 'સ્માર્ટ સિટી'નું ટેગ આપવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેર હવે 'ભુવાનગરી' બની ચૂક્યું છે. માણેકબાગ ચાર રસ્તા જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં મસમોટો ભુવો પડી જતાં તંત્રની પોકળ કામગીરી ખુલ્લી પડી ગઈ છે. ભુવો પડવાના કારણે એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવાની નોબત આવી છે. રોજેરોજ હજારો વાહનચાલકો જે માર્ગ પરથી પસાર થાય છે, ત્યાં અચાનક રસ્તો બંધ થઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
નહેરુનગરથી ધરણીધર માર્ગ ઠપ્પ
માણેકબાગમાં પડેલા ભુવાના લીધે નહેરુનગરથી ધરણીધર જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પીક અવર્સ દરમિયાન આ માર્ગ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિકમાં રઝળપાટ કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને થિગડાં મારવા માટે તંત્રએ છેવટે BRTS રૂટ સામાન્ય વાહનચાલકો માટે ખુલ્લો મૂકવો પડ્યો છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું BRTS લેન ખોલી દેવાથી પ્રજાની હાલાકીનો અંત આવી જશે? મુખ્ય રસ્તાઓ પર પડેલા ભયાનક ગાબડાં પૂરી ન શકતું તંત્ર આ રીતે કામચલાઉ સેટિંગ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે.
