સાબરકાંઠા જિલ્લાના ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત મોડી સાંજે એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધા અને આસ્થા સાથે આગળ વધી રહેલા 12 જેટલા પદયાત્રીઓને બેફામ સ્પીડે આવી રહેલા કાળમુખા વાહને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી 3 દર્દીઓની હાલત વધુ નાજુક જણાતાં તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. વાહનચાલકોની બેફામ ઝડપ અને રોડ પરના અંધાધૂંધ વાહન વ્યવહારના કારણે શ્રદ્ધાળુઓની યાત્રા રક્તરંજિત બની ગઈ છે.
અકસ્માત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતા અને ખાખીની ‘દિવાસ્વપ્ન’ કામગીરી
આટલી મોટી અને ગંભીર હોનારત સર્જાયા બાદ પણ સ્થાનિક તંત્ર અને પોલીસ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. ઈડર શહેરમાં અકસ્માત સ્થળ નજીક માત્ર રસ્તા વચ્ચે બેરિકેટ ગોઠવીને પોલીસ તંત્ર પોતાની કામગીરીનો માત્ર દેખાવ કરી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાઈવે પર બેરિકેટ મૂકવામાં આવ્યા હોવા છતાં ત્યાં વાહન નિયંત્રણ કે સુરક્ષા માટે એક પણ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો નથી. માત્ર કાગળ પર અને દેખાવ ખાતર બેરિકેટ મૂકીને ખાખી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી હોવાનો સ્થાનિકો અને પદયાત્રીઓ આક્ષેપ કરી રહ્યા છે.
