અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં હાઈટેક સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગો દ્વારા એક જાણીતી કંપની સાથે 'બોસ સ્કેમ' (Boss Scam) આચરીને આશરે રૂ. 3 કરોડની માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ભોપાળાઓએ કંપનીના ડિરેક્ટરનું નામ અને તેમનો ફોટો (DP) વોટ્સએપ પર ઉપયોગ કરીને બનાવટી પ્રોફાઈલ બનાવી હતી. ત્યારબાદ કંપનીના કર્મચારીને મેસેજ કરી, પોતે ડિરેક્ટર હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો અને કંપનીના બેંક ખાતામાંથી રૂ. 3 કરોડ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસની ત્વરિત કામગીરીથી રૂ. 2.94 કરોડ ફ્રીઝ કરાવાયા
કંપનીને પોતાની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ તેમણે તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિલંબ કર્યા વગર ત્વરિત સાયબર કમાન્ડ સેન્ટર અને સંકલિત ટીમો મારફતે તપાસ શરૂ કરી હતી. પોલીસે તાત્કાલિક ટેકનિકલ ટ્રેકિંગ કરીને શંકાસ્પદ બેંક ખાતાઓને ટ્રેસ કર્યા હતા અને શંકાસ્પદ એકાઉન્ટ્સમાં જમા પડેલી રૂ. 2.94 કરોડની રકમ તુરંત ફ્રીઝ કરાવી દીધી હતી.
