અમદાવાદ શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઉપરાંત અન્ય બિનશૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી એક્શન મોડમાં આવી છે. શાળા પરિસરનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાના મુદ્દે અમદાવાદની 3 નામાંકિત શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતાં જ અન્ય શાળા સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મણિનગરની શાળાઓએ આપ્યો નોટિસનો જવાબ
DEO કચેરી દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના સંદર્ભમાં મણિનગર વિસ્તારમાં આવેલી જયાબેન દેવી શાળા અને શેઠ હીરાલાલ કન્યા વિદ્યાલય દ્વારા પોતાનો સત્તાવાર જવાબ રજૂ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે શાળા પરિસરમાં ચાલતા ગરબા ક્લાસિસ સંપૂર્ણપણે નોન-કોમર્શિયલ છે અને તે ફક્ત શાળાની વિધ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ પૂરતા જ સીમિત રાખવામાં આવ્યા છે. બહારની કોઈ પણ વ્યક્તિને આ વર્ગોમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
