વર્ષ 2008માં સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી મુકનાર અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે નીચલી અદાલતદ્વારા ફટકારવામાં આવેલી સજાને સંપૂર્ણપણે યથાવત રાખી છે, જેમાં 38 આતંકવાદીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાનો સમાવેશ થાય છે. કોર્ટે આ કેસમાં નીચલી અદાલતના ચુકાદા સામે કરાયેલી તમામ 3 અરજીઓને ફગાવી દીધી છે. આ ચુકાદાને બ્લાસ્ટના પીડિતોએ સહર્ષ સ્વીકારીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે, પરંતુ સાથે જ આતંકીઓને વહેલી તકે ફાંસીના માચડે લટકાવવાની માંગ પણ બુલંદ બની છે.
પીડિત સંજય પાસવાનની કાળજું કંપાવતી વેદના
આ ઐતિહાસિક ચુકાદા બાદ 2008ના બ્લાસ્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પીડિત સંજય પાસવાને પોતાની આપવીતી અને દર્દ મીડિયા સમક્ષ ઠાલવ્યું હતું. બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે જ હાજર રહેલા સંજય પાસવાને જણાવ્યું કે, "હું હાઇકોર્ટના આ ચુકાદાનું સન્માન કરું છું અને તેને સહર્ષ સ્વીકારું છું. ન્યાય પ્રક્રિયાએ સાબિત કરી દીધું છે કે પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે. પરંતુ અમારું જે શારીરિક અને માનસિક નુકસાન થયું છે તેની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી."
મારા શરીરમાં બોમ્બના ત્રણ છરા મોજૂદ છે
તેમણે ધ્રુજતા અવાજે ઉમેર્યું, "બ્લાસ્ટના તે ભયાનક દિવસ બાદ મેં સતત ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આજે આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં મારા શરીરમાં બોમ્બના ત્રણ છરા મોજૂદ છે. જો પગમાં આજીવન પાટો બાંધેલો હોય તો જ હું માંડ-માંડ ચાલી શકું છું. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત આતંકી કાવતરું હતું જેણે હજારો પરિવારોને બરબાદ કરી દીધા." સંજય પાસવાને વેદના વ્યક્ત કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને કોઈ યોગ્ય સરકારી વળતર મળ્યું નથી, પરંતુ હવે ગુનો સાબિત થયા બાદ આતંકીઓને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ, તેમાં હવે જરાય રાહ ન જોવી જોઈએ. આ હુમલામાં 40 જેટલા પરિવારોએ પોતાના કમાતા અને વહાલા સ્વજનો ગુમાવ્યા હતા અને ૨૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પીડિત પરિવારની કાળજું કંપાવતી વેદના
2008 બ્લાસ્ટમાં પિતા ગુમાવનાર પીડિતે વેદના ઠાલવતા કહ્યું, ‘મેં પિતાજીને ના પાડી હતી, તોય તેઓ સાયકલ મૂકીને ગયા અને તેમાં જ બ્લાસ્ટ થયો.’ ન્યાય માટે હવે આતંકીઓ અરજીઓ કરીને સમય ન બગાડે, પીડિત પરિવારોની એક જ માંગ છે કે આવા નરાધમોને વહેલી તકે ફાંસીના માચડે લટકાવવામાં આવે.
પ્રત્યક્ષદર્શી તુલસી ભીલની કાળજું કંપાવતી આપવીતી
બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શી તુલસી ભીલે ચુકાદા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા આતંકીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. બ્લાસ્ટ થતાં જ પોતાની ચાની કિટલી છોડી તેઓ ટ્રોમા સેન્ટર સેવા કરવા દોડ્યા હતા, જ્યાં બીજો બ્લાસ્ટ થયો. તેમને 14 છરા વાગ્યા હતા અને આજેય તેમના પગમાં એક છરો મોજૂદ છે.
હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ
ગુજરાત હાઇકોર્ટે માત્ર સજા જ યથાવત નથી રાખી, પરંતુ પીડિતોની આર્થિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો પણ મોટો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ વળતરની રકમ ચૂકવી દેવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે. વળતરનું માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
બોમ્બ બ્લાસ્ટમાં મૃતક પામેલા નિર્દોષ લોકોના આશ્રિતોને રૂ. 10 લાખનું વળતર આપવા આદેશ અપાયો છે તો જેઓ ગંભીર રીતે ઘવાયા છે અને જેમના અંગોને નુકસાન થયું છે તેવા પીડિતોને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા આદેશ અપાયો છે. બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને રૂ. 1 લાખનું વળતર આપવા આદેશ કરાયો છે.
સરકારી વકીલ અમિત પટેલે શું કહ્યું
સરકારી વકીલ અમિત પટેલે મીડિયાને કહ્યું હતું કે 18 વર્ષની લાંબી સુનાવણી બાદ હાઇકોર્ટે સ્પે. કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. અમિત પટેલે જણાવ્યું કે, 38 દોષિતોની ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રખાઈ છે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને પીડિતો માટે વળતર ચૂકવવાનો પણ અત્યંત મહત્વનો આદેશ કર્યો છે.
26 જુલાઈ 2008ની 90 મિનિટ જેણે અમદાવાદને લોહીલુહાણ કર્યું
26 જુલાઈ 2008 શનિવારનો એ કાળો દિવસ અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો છે. સાંજે 6.15 થી 7.45 વાગ્યા સુધીના માત્ર 90 મિનિટના ગાળામાં અમદાવાદ શહેરના અલગ-અલગ 20 વિસ્તારોમાં 21 જેટલા ઉપરાઉપરી સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આતંકીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક સાઇકલ, કાર અને સરકારી બસોમાં એલપીજી સિલિન્ડર સાથે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં 56 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 246 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી કારમાં પણ બ્લાસ્ટ
આતંકવાદીઓની ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે તેમણે સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યા. હોસ્પિટલમાં જ્યારે ઇજાગ્રસ્તોને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે જ ત્યાં બીજો બ્લાસ્ટ કરીને વધુમાં વધુ તબીબો અને દર્દીઓને મારવાનું આયોજન હતું.
દેશના ઇતિહાસની સૌથી મોટી તપાસ અને ચુકાદો
અમદાવાદ પોલીસે આ ઘટનાના માત્ર 19 જ દિવસમાં આખા આતંકી નેટવર્કનો પર્દાફાશ કરી દીધો હતો. વર્ષ 2009માં દાખલ થયેલા આ કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. આ કેસમાં કુલ 35 એફઆઈઆર (અમદાવાદમાં 20 અને સુરતમાં 15) નોંધવામાં આવી હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કાનૂની ઇતિહાસમાં પ્રથમ વખત 6 હજાર પુરાવા, 1163 સાક્ષીઓ તપાસીને 7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની પેપર બુક કુલ 7.88 લાખ પેજની છે. જેમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી અને 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

હાલોલ આતંકી કેમ્પ: જ્યાં જેહાદના નામે અપાઈ હતી ટ્રેનિંગ
તપાસમાં બહાર આવ્યું હતું કે આ બ્લાસ્ટનું આયોજન કરવા માટે જાન્યુઆરી 2008માં પંચમહાલના હાલોલ ખાતે આતંકી કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રતિબંધિત સંગઠન SIMI (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ના સફદર નાગોરીએ ગુજરાત આવીને હાલોલની જંગલવાળી જગ્યા પસંદ કરી હતી. અહીં 20 થી વધુ આતંકીઓએ ભાગ લીધો હતો, જેઓ ટ્રેકિંગના બહાને દરગાહના મુસાફરખાનામાં રોકાયા હતા. કયામુદ્દીન નામના આતંકીએ આ કેમ્પમાં પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની રીત શીખવી હતી. કેમ્પમાં જેહાદી ભાષણો આપીને ભીડવાળી જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાનું આયોજન ઘડાયું હતું. આ આતંકીઓ ગુજરાત, મધ્યપ્રદેશ, કેરાલા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ-અલગ 12 રાજ્યોના રહેવાસી હતા.

ચુકાદાને પગલે હાઇકોર્ટ છાવણીમાં ફેરવાઈ
હાઇકોર્ટના આ સંવેદનશીલ ચુકાદાને પગલે કોર્ટ પરિસરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DCP હર્ષદ પટેલની આગેવાનીમાં 120 થી વધુ પોલીસ જવાનો, સોલા અને ગુજરાત યુનિવર્સિટીના PI, તેમજ SRP ની ટુકડીઓ તહેનાત કરાઈ હતી. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સમગ્ર કોર્ટની તપાસ કરાઈ હતી અને દરેક મુલાકાતીને સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ અપાયો હતો. એક અદ્ભુત સંયોગ એવો છે કે વર્ષ 2022માં નીચલી કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે પણ મંગળવાર હતો, અને આજે હાઇકોર્ટે પણ મંગળવારે જ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!