ભારતમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો છે. શહેરમાં અત્યારે રોડ પર ખાડા અને ગાબડાનું રાજ છે. ત્યારે વરસાદી સિઝનમાં ખરેખર શહેરની સ્વચ્છતા આંખે ઉડીને વળગે છે..! સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મેળવનાર અમદાવાદની સરકારી કચેરીમાં જ દિવા તળે અંધારા જેવા ઘાટ છે.
મનપાના સેન્ટ્રલ સ્ટોરમાં ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદની AMCની સેન્ટ્રલ ઓફિસના બેઝમેન્ટમાં મનપા દ્વારા સેન્ટ્રલ સ્ટોર બનાવવામાં આવ્યું છે ત્યાં જ ગંદકી જ ગંદકી નજરે પડે છે. એકબાજુ મહાનગર પાલિકા દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા જ્ઞાન આપવામાં આવે છે અને આ જ્ઞાનની જ પોતે જ અજ્ઞાન હોય તેવા ઘાટ ત્યાંના દ્રશ્યો બતાવે છે. મનપા દ્વારા સેન્ટ્રલ સ્ટોર બનાવવામાં આવ્યો છે ત્યાં ગંદકીનું સામ્રાજય જોવા મળતાં શહેરીજનોમાં રોષ જોવા મળ્યો. એક તરફ મહાનગરપાલિકા સ્વચ્છતાને લઈને મોટા ઉપાડે ઝુંબેશ ચલાવે છે અને બીજી બાજુ કરોડો રૂપિયા ખર્ચે બનાવવામાં આવેલ તેમની મુખ્ય કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળવો એ અત્યંત શરમજનક બાબત છે.
સરકારી કચેરીમાં સ્વચ્છતાનો અભાવ
"પહેલું સુખ તે જાતે નર્યા" કહેવતને અનુસરવાની સૌથી મોટી જરૂરિયાત ખુદ મહાનગરપાલિકાને જ છે. જ્યાં સુધી તેઓ પોતાની ઓફિસ અને પરિસરને સ્વચ્છ નહીં રાખે, ત્યાં સુધી અન્યોને સ્વચ્છતા જાળવવા અંગે ઉપદેશ આપવાનો નૈતિક રીતે અધિકાર ના કહી શકાય. સરકારી કચેરીમાં જ આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્વચ્છતાની વાસ્તવિક સ્થિતિ ખરેખર અનેક સવાલ ઉભા કરે છે. સરકારી કચેરીના આવા ગંદકીના દ્રશ્યો જોઈ લાગે કે આખરે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને કેવી રીતે પસંદગી કરાઈ...