અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થો વેચતી દુકાનો સામે કાર્યવાહી તેજ કરી છે. શહેરના નારણપુરા વિસ્તારમાં ભજીયા-પકોડાની દુકાન અને વટવા વિસ્તારમાં આવેલી ભારત ફૂડને સીલ કરવામાં આવી છે. અખાદ્ય તેલનો ઉપયોગ થતો હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 4 મીઠાઈની દુકાનોને રેપિડ ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ ન હોવાના કારણે કુલ 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નારણપુરા અને વટવામાં બે એકમ સીલ
દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્યપદાર્થોની માંગ વધતી હોવાથી AMCના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નારણપુરા વિસ્તારમાં ભજીયા-પકોડાની દુકાન અને વટવા વિસ્તારમાં ભારત ફૂડ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અખાદ્ય તેલનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવતાં બંને એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
4 મીઠાઈની દુકાનોને 40 હજારનો દંડ
AMCની તપાસ દરમિયાન શહેરની વિવિધ 4 મીઠાઈની દુકાનોમાં રેપિડ ટેસ્ટિંગ કીટ ન હોવાનું સામે આવ્યું હતું. આ બદલ ચારેય દુકાનોને મળીને કુલ 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન વેચાતી મીઠાઈઓની ગુણવત્તા અને સલામતી જાળવવા માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
23 દુકાનોમાંથી મીઠાઈના નમૂના લેવાયા
આરોગ્ય વિભાગે શહેરની વિવિધ 23 દુકાનોમાંથી મીઠાઈના નમૂના એકત્ર કર્યા છે. આ તમામ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ મીઠાઈની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMCની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?