સ્માર્ટ સિટી અમદાવાદના દાવાઓ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બગીચાઓની વાસ્તવિકતા અત્યંત ચિંતાજનક સામે આવી છે. શહેરમાં નાગરિકો, મહિલાઓ અને બાળકોના વિહારધામ સમાન ગાર્ડનોમાં સુરક્ષા વ્યવસ્થા સાવ અધ્ધરતાલ હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, AMC હસ્તકના કુલ 322 ગાર્ડન પૈકી અંદાજે 200 જેટલા ગાર્ડનમાં તો એકપણ CCTV કેમેરા લગાવવામાં જ આવ્યા નથી. આટલી મોટી સંખ્યામાં બગીચાઓ કેમેરા વગરના હોવાથી ત્યાં આવતા લોકોની સુરક્ષા રામેભરોસે ચાલી રહી છે.
ઇ-ગવર્નન્સ વિભાગની મોટી બેદરકારી
સ્થિતિ કેટલી હદે ગંભીર છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે જે 122 ગાર્ડનમાં કેમેરા હોવાનો દાવો થાય છે, તે પૈકી વાસ્તવમાં કેટલા ગાર્ડનમાં કેમેરા ચાલુ કે બંધ છે તેની કોઈ જ સ્પષ્ટ જાણકારી ખુદ મનપા પાસે નથી. ગાર્ડન વિભાગ દ્વારા ઇ-ગવર્નન્સ વિભાગને અગાઉ અનેક વખત લેખિત પત્રો લખીને CCTV ઇન્સ્ટોલ કરવા અને રીપેર કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. છતાં ઇ-ગવર્નન્સ વિભાગની ઘોર બેદરકારી અને ઉદાસીનતા ના કારણે મોટાભાગના ગાર્ડન આજદિન સુધી CCTV વગરના જ ધમધમી રહ્યા છે.
