અમદાવાદ શહેરમાં પર્યાવરણનું જતન કરવા અને રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દીર્ઘદ્રષ્ટિવાળો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા લેવાયેલા આ નવા નિયમ મુજબ હવે શહેરની તમામ નવી સરકારી અને ધાર્મિક બિલ્ડિંગો પર સોલાર પેનલ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તંત્ર દ્વારા કડક વહીવટી ધોરણે આ પગલું ભરવામાં આવ્યું છે, જેથી વીજળીની બચત થઈ શકે અને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય.

મનપાના નવા બાંધકામો માટે કડક નિયમો લાગુ

આ નિર્ણયની અમલવારીને વધુ મજબૂત બનાવવા માટે AMC દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ નવા બિલ્ડિંગ કે પ્રોજેક્ટમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં નહીં આવે, તો તેને બિલ્ડિંગ યુઝ પરમિશન (BU Permission) આપવામાં આવશે નહીં. આ કડક આદેશના કારણે હવે બિલ્ડરો, સંચાલકો અને સરકારી વિભાગોએ પણ બાંધકામ વખતે જ સોલાર રૂફટોપની વ્યવસ્થા કરવી પડશે. વહીવટી તંત્રના આ કડક રૂખથી શહેરમાં ગેરકાયદેસર કે વગર આયોજને થતા બાંધકામો પર પણ અંકુશ આવશે.

200 ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવાયા

શહેરમાં સોલાર એનર્જીના પ્રસાર માટે AMC દ્વારા અગાઉથી જ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં શહેરની અંદાજે 200 જેટલી ધાર્મિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક સોલાર પેનલ લગાવી દેવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા હવે સોલાર પાવરનો ઉપયોગ કરીને વીજળી મેળવવામાં આવી રહી છે. જ્યારે બાકી રહેલી 145 જેટલી ધાર્મિક સંસ્થાઓમાં આગામી સમયમાં ત્વરિત કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મનપાના આ સરાહનીય અભિયાનથી અન્ય શહેરો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Rajkotમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વ્યાજખોરીના સકંજામાં, ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો