રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, ત્યારે તેમાં હવે સત્તાધારી પક્ષના જ નેતાનું નામ ઉછળતા ભારે ચર્ચા જાગી છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી સામે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટર અને પીડિત વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે રાજકીય અને સામાજિક બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મહિને 60 હજાર વ્યાજ વસૂલાતું હોવાનો આક્ષેપ
આ મામલે વિગતવાર માહિતી આપતા અરજદાર અને ફરિયાદી અમિત જાવિયા, કે જેઓ ખુદ ભાજપના જ સક્રિય કાર્યકર્તા છે, તેમણે જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા તેમની પાસેથી ઊંચા વ્યાજે નાણાં વસૂલવામાં આવી રહ્યા હતા. ફરિયાદીના આક્ષેપ મુજબ, તેઓ અગાઉ 20 લાખ રૂપિયા સામે કુલ 42 લાખ રૂપિયા ચૂકવી ચૂક્યા છે, છતાં વ્યાજખોરોની લાલસા અટકી નથી અને તેઓ દ્વારા વધુ 15 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ કેસમાં દર મહિને 60 હજાર રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે વસૂલવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
