અમદાવાદ શહેરમાં વાહનચાલકોના ખિસ્સા પર વધુ બોજ વધવાની તૈયારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની એસ્ટેટ કમિટીએ પાર્કિંગના નવા દર નક્કી કર્યા છે. જોકે, આ નવા દર સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ અમલી બનાવવામાં આવશે. શહેરમાં છેલ્લા 10 વર્ષથી પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો નહોતો.
ટુ-વ્હીલર પાર્કિંગના દર બમણા થશે
હાલમાં ટુ-વ્હીલર પાર્ક કરવા માટે પ્રતિ કલાક 5 રુપિયા વસૂલવામાં આવે છે. એસ્ટેટ કમિટીના નિર્ણય મુજબ હવે આ ચાર્જ વધારીને પ્રતિ કલાક 10 રુપિયા કરવામાં આવશે. એટલે કે ટુ-વ્હીલર ચાલકોએ પાર્કિંગ માટે અગાઉ કરતાં બમણી રકમ ચૂકવવી પડશે.
ફોર-વ્હીલર માટે 20 રુપિયા પાર્કિંગ ચાર્જ
ફોર-વ્હીલર પાર્કિંગના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં કાર પાર્ક કરવા માટે પ્રતિ કલાક 15 રુપિયા ચૂકવવા પડે છે, જે વધારીને હવે 20 રુપિયા કરવામાં આવશે. આ ઉપરાંત થ્રી-વ્હીલર માટે પ્રતિ કલાક 15 રુપિયા પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
10 વર્ષ બાદ પાર્કિંગ ચાર્જમાં વધારો
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષથી પાર્કિંગ ચાર્જના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. હવે AMCની એસ્ટેટ કમિટીએ વાહનના પ્રકાર પ્રમાણે નવા દર નક્કી કર્યા છે. જોકે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ જ નવા દર અમલી બનશે. મંજૂરી મળ્યા પછી શહેરના પાર્કિંગ સ્થળોએ વાહનચાલકોએ નવા દર પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?