ગુજરાતમાં હાલમાં સર્જાયેલી વીજ સંકટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીજ સંકટ વચ્ચે, વીજ સંકટની અસરના લીધે રાજ્યના મોટા શહેરોમાં દિવાળીમાં થતી રોશનીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરતમાં ખાસ કરીને આ પ્રકારની રોશની થતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં 118ના બદલે હવે માત્ર સાત જ સ્થળો પર રોશની કરવામાં આવશે. જયારે સુરતમાં શહેરના 11 રિવરબ્રિજ પર જ લાઈટિંગ કરાશે. 

સાબરમતીના 7 બ્રિજ પર રોશની કરવાના નિર્ણયે ચર્ચા જગાવી

અમદાવાદ શહેરમાં 118ના બદલે 7 સ્થળોએ રોશની કરાશે. શાસકોના મતે રોશની તો થશે જ પણ 90 લાખના બદલે માત્ર 7 લાખનો જ ખર્ચ કરાશે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ધનતેરસથી લાભ પાંચમ સુધી સાંજે 7થી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટિંગ ચાલુ રાખીને કરકસર કરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિરે લાઈટિંગ બરાબર છે, પરંતુ સાબરમતીના 7 બ્રિજ પર રોશની કરવાના નિર્ણયે ચર્ચા જગાવી છે.

આ વખતે વીજ બચત અને ખર્ચ પર અંકુશ

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વખતે વીજ બચત અને ખર્ચ પર અંકુશ મૂકવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ વર્ષે માત્ર નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિર અને સાબરમતી નદી પરના 7 બ્રિજ પર જ રોશની કરાશે.અગાઉના વર્ષોમાં AMC દ્વારા શહેરના તમામ સ્મારકો, 23 હેરિટેજ ઇમારતો, દરવાજા, 45 સર્કલો અને 7 અંડરપાસ સહિત 118 સ્થળોએ ધનતેરસથી સુધી આખી રાત ઝગમગાટ કરવામાં આવતો હતો. જેના કારણે પ્રતિદિન રૂ. 10 લાખથી વધુ અને સમગ્ર તહેવાર દરમિયાન અંદાજે રૂ. 90 થી 92 લાખનો મોટો ખર્ચ થતો હતો. 

સુરતમાં વીજ કટોકટી વચ્ચે પાલિકાનો નિર્ણય

હવે અમદાવાદની જેમ સુરતમાં પણ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન પાલિકા હસ્તકની સરકારી મિલકતો કે ઇમારતો પર કોઈ વિશેષ રોશની કરવામાં આવશે નહીં પરંતુ માત્ર શહેરના 11 રિવરબ્રિજ પર જ લાઇટિંગ કરવામાં આવશે.આ વીજ બચતના પગલાંથી પાલિકાને આશરે 60 લાખ રૂપિયાની સીધી બચત થશે. યોજના મુજબ, દિવાળીના મુખ્ય દિવસે સાંજથી લઈને સવાર સુધી બ્રિજ પર રોશની ચાલુ રહેશે, જ્યારે તહેવારના અન્ય ચાર દિવસો દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી જ લાઇટિંગ રાખવામાં આવશે. રાજ્ય સરકારના વીજ બચતના અભિયાનમાં સહભાગી થઈને સુરત મનપાએ આ સરાહનીય પહેલ કરી છે.


આ પણ વાંચોઃ Banaskantha News: કોંગ્રેસીઓએ વડાપ્રધાન માટે અપશબ્દોની જાણે ડિક્શનરી બનાવી છે: DyCM હર્ષ સંઘવી