ગુજરાત અને બિહાર વચ્ચે નિયમિત મુસાફરી કરનાર પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદ અને બિહારના ભાગલપુર વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનનું 21 ઓગસ્ટથી બુકિંગ શરૂ થઇ ગયું છે. પ્રવાસીઓ PRS કાઉન્ટર અને IRCTC દ્વારા ટિકિટ બુક કરી શકશે.
અમૃત ભારત એક્સપ્રેસ નામ અપાયું
ટ્રેન નંબર 19423 અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ આગામી 26 ઓગસ્ટથી દર બુધવારે દોડશે. બુધવારે સાંજે 6-30 કલાકે અમદાવાદથી ટ્રેન રવાના થશે અને શુક્રવારે સવારે 6-40 કલાકે આ ટ્રેન ભાગલપુર આવી પહોંચશે. અમદાવાદથી ભાગલપુરની આ યાત્રા લગભગ 36 કલાકની રહેશે. ભાગલપુરથી અમદાવાદ પરત આવવા માટે ટ્રેન નંબર 19424 દર શુક્રવારે ભાગલપુરથી સાંજે 4-45 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 5-45 કલાક સુધીમાં અમદાવાદ પહોંચાડશે.
કયા કયા સ્ટોપેજ મળશે
અમદાવાદથી ઉપડ્યા બાદ આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી અને કોટામાં રોકાશે. એ પછી આ ટ્રેન સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, ઇદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ થઇને બિહાર આવી પહોંચશે. બિહારના સ્ટોપેજમાં બક્સર, આરા, દાનાપુર, પટના, મોકામા, કિઉલ, અભયપુર, જમાલપુર અને સુલતાનગંજ જેવા સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
કોચ સુવિધા અને ટિકિટની કિંમત
અમૃત ભારત એક્સપ્રેસમાં જનરલ અને સ્લીપર ક્લાસના કોચ હશે જેમાં ભાડું સામાન્ય વર્ગને પરવડે તેવું રાખવામાં આવ્યું છે. અઠવાડિયે એક જ વખત આ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. સ્લીપર ક્લાસનું ભાડું 925 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં વસતા અને તહેવારો પર અવારનવાર વતન જતા પરપ્રાંતિયો માટે આ ટ્રેન એક સારી સુવિધા સાબિત થશે.
આ પણ વાંચો - Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા