મેગા સિટી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા બોપલ - ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘુમા વિસ્તારમાં દીપડો મુક્તપણે હરતો-ફરતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ વન વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
શરણદીપ સોસાયટીના CCTVમાં કેદ થઈ હિલચાલ
મળતી માહિતી મુજબ, ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ દીપડો કેદ થયો છે. મોડી રાત્રે દીપડો સોસાયટીની દીવાલ પાસેથી પસાર થતો હોવાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
https://www.instagram.com/reel/DbAGK9ojGLb/?utm_source=ig_web_button_share_sheet
લોકોને રાત્રે બિન જરુરી બહાર ના નિકળવા અપીલ
સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક અસરથી આ અંગે વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. દીપડાની હાજરીની આશંકાને પગલે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા તમામ રહીશોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકો તેમજ પાલતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમ તાકીદે શરણદીપ સોસાયટી અને તેની આસપાસના ખુલ્લા પ્લોટ્સના વિસ્તારમાં પહોંચી ગઈ છે. વન અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને દીપડાના પગના નિશાનના આધારે શોધખોળ કરાઇ રહી છે. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આસપાસના અન્ય વિસ્તારો અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા શ્રમિકોને પણ સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..