અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગુનેગારોએ ડિજિટલ યુગમાં ચોરીનો નવો નુસખો અપનાવીને એક નાગરિકના બેંક ખાતામાંથી અધધ.. 83 લાખની ઉઠાંતરી કરી લીધી છે. ગઠિયાઓએ ખૂબ જ શાતિરતાથી 'સીમ સ્વેપિંગ' ટેકનિકનો ઉપયોગ કરીને આ આખી ઘટનાને અંજામ આપ્યો છે, જેના કારણે સાયબર ક્રાઈમની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.


બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લીધુ

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર ફરિયાદીના મોબાઈલનું સીમ કાર્ડ ક્લોન અથવા સ્વેપ કરીને હેકર્સે તેમના બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ ઓટીપી મેળવીને અલગ-અલગ 16 થી 19 જેટલા ટ્રાન્ઝેક્શન દ્વારા મિનિટોમાં જ 83 લાખ પોતાના મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ફરિયાદીને જ્યારે પોતાના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક

આ ચકચારી ઘટના અંગે ભોગ બનનારે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નાણાં કયા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે અને આ મની લોન્ડરિંગ નેટવર્ક પાછળ કઈ ગેંગ સક્રિય છે.

યુઝરના ફોનનું ડુપ્લિકેટ સીમ કાર્ડ એક્ટિવેટ કરાવી લે છે

નિષ્ણાતોના મતે, સીમ સ્વેપિંગ ફ્રોડમાં ગુનેગારો યુઝરના ફોનનું ડુપ્લિકેટ સીમ કાર્ડ એક્ટિવેટ કરાવી લે છે, જેથી ઓરિજિનલ ફોનનું નેટવર્ક ગાયબ થઈ જાય છે અને તમામ બેંકિંગ ઓટીપી હેકર્સ પાસે પહોંચવા લાગે છે. સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે જો અચાનક ફોનનું નેટવર્ક જતું રહે તો તરત જ ટેલિકોમ કંપની અને બેંકનો સંપર્ક કરવો જોઈએ.


આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું

  • Follow us on: