અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાની ઉજવણી બાદ રસ્તાઓ, જાહેર સ્થળો અને સોસાયટીઓ આસપાસ મોટા પ્રમાણમાં કચરો એકત્રિત થયો હતો. આ કચરાનો નિકાલ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા ધનતેરસથી ભાઈબીજ સુધી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 19,500 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.

દિવાળીના દિવસે સૌથી વધુ 5,312 મેટ્રિક ટન કચરો

તહેવારના દિવસો દરમિયાન એકત્રિત થયેલા કચરામાં દિવાળીના દિવસે 5,312 મેટ્રિક ટન, બેસતા વર્ષના દિવસે 5,160 મેટ્રિક ટન, પડતર દિવસે 4,583 મેટ્રિક ટન અને ભાઈબીજના દિવસે 4,445 મેટ્રિક ટન કચરાનો સમાવેશ થાય છે.

કચરાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો

ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 12,980 મેટ્રિક ટન કચરો નોંધાયો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે કચરાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

9,500થી વધુ સફાઈ કર્મચારીઓ ફરજ પર રહ્યા

શહેરની સફાઈ વ્યવસ્થા જાળવવા સરેરાશ 9,500થી વધુ કાયમી સફાઈ કર્મચારીઓ અને 2,500થી વધુ આરડબલ્યુએ કામદારો ફરજ પર તૈનાત રહ્યા હતા. રાત્રિના સમયે વિશેષ સફાઈ કામગીરી માટે 2,000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા.

150થી વધુ વિશેષ ટીમોએ સફાઈ કરી

ફટાકડાના અવશેષો અને રસ્તા પરના કચરાની સફાઈ માટે 150થી વધુ વિશેષ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આધુનિક મશીનરી અને કચરો એકત્રિત કરતાં વિશેષ વાહનોની મદદથી મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને અન્ય વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી.

સફાઈ કર્મચારીઓની કામગીરીની સરાહના

રાત્રિના સમયે પણ વિશેષ સફાઈ અભિયાન ચલાવીને સવારના સમયે નાગરિકોને સ્વચ્છ રસ્તાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન પોતાની ઉજવણીને બદલે શહેરની સ્વચ્છતાને પ્રાથમિકતા આપનારા સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.  


આ પણ વાંચો :     PM Modiના અંબાજી પ્રવાસને લઈ ટ્રાફિક ડાયવર્ઝન, 14 નવેમ્બર સુધી નવા રૂટ અમલી