દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ પર પોતાના વતન અને પરિવારજનો સાથે તહેવાર ઉજવવા માટે લોકો આતુર હોય છે. આ જ ઉત્સાહ વચ્ચે અમદાવાદના મુખ્ય ગીતા મંદિર ST બસ સ્ટેશન પર મુસાફરોનું ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને ગામડાઓ તરફ જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો બસ ડેપો પર પહોંચી ગયા છે, જેના કારણે ચારેય તરફ લોકોની ભીડ જ જોવા મળી રહી છે.
કલાકો સુધી બસની રાહ જોતા મુસાફરો
બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા અચાનક ખૂબ જ વધી જવાના કારણે અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું છે. ST બસો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોવા છતાં મુસાફરોનો પ્રવાહ એટલો વિશાળ છે કે બસોમાં બેસવા માટે લોકો વચ્ચે પડાપડી અને લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અનેક મુસાફરો સમયસર બસ ન મળવાને કારણે કે બેસવાની જગ્યા ન મળવાને કારણે કલાકો સુધી પ્લેટફોર્મ પર જ બસની રાહ જોતા બેસી રહેવા મજબૂર બન્યા છે, જેનાથી તહેવારોના માહોલમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
