અમદાવાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ ઝોન-6 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમ દ્વારા બાતમીના આધારે દારૂ ભરેલી એક ગાડીને ઝડપી પાડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની રેડ પડતા જ બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસથી બચવા માટે આરોપીએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન આરોપીના ભાગવાના દ્રશ્યો આસપાસના સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા, જે હાલ સોશિયલ મીડિયા અને પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.
સાહિલ અને ધ્રુવ પરમાર નામના બે આરોપી ઝડપાયા
પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. LCB ની ટીમે દરોડા દરમિયાન રૂ. 17 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને તેમાં વપરાયેલી ગાડી સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આ પ્રકરણમાં સંડોવાયેલા સાહિલ અને ધ્રુવ પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, પોલીસ દરોડા ટાણે અન્ય કેટલાક શખ્સો ગાડી અને માલ ત્યાં જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
