ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને સુવિધાઓના દાવાઓની પોલ ખોલતી એક અત્યંત દર્દનાક ઘટના જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક અશક્ત અને દિવ્યાંગ મહિલાને હોસ્પિટલ પરિસરમાં જવા માટે સ્ટ્રેચર કે વ્હીલચેયર જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ ન હતી, જેના કારણે આ મહિલાને લાચાર થઈને જમીન પર ઢસડાતા આગળ વધવું પડ્યું હતું. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે અને તંત્રની લાપરવાહી જગજાહેર થઈ છે.

સિક્યુરિટી ગાર્ડ્સ મૂકપ્રેક્ષક બની જોતા રહ્યા

આ ઘટનાની સૌથી કરુણ બાબત એ રહી કે જ્યારે દિવ્યાંગ મહિલા જમીન પર ઢસડાઈ રહી હતી, ત્યારે હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ (સિક્યુરિટી ગાર્ડ્સ) ત્યાં જ હાજર હોવા છતાં કોઈ મદદ કરવાને બદલે મૂકપ્રેક્ષક બનીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હોસ્પિટલ સ્ટાફની આ અસંવેદનશીલતા અને ઉદાસીનતાનો કોઈ વ્યક્તિ દ્વારા વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સામાન્ય નાગરિકોમાં હોસ્પિટલ પ્રશાસન સામે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.

દોષિતો સામે તપાસના આદેશ

ઘટનાના વીડિયો વાયરલ થતાં અને ચારેય તરફથી ટીકાઓનો ધોધ વછૂટતા સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને દોષિત કર્મચારીઓ અને સિક્યુરિટી એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. અગાઉ પણ અનેક સરકારી હોસ્પિટલોમાં સ્ટ્રેચર કે વ્હીલચેયર ન મળવાને કારણે દર્દીઓની અકાળે કે દયનીય હાલત થવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે આ ઘટના બાદ તંત્ર દ્વારા કયા નક્કર પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Ahmedabad News : ફટાકડા બજારોથી લઈને ગીચ વિસ્તારો સુધી ફાયર વિભાગની કડક નજર, 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર