અમદાવાદ શહેરમાં ડ્રેનેજ લાઈનમાં પડી ગયેલી બાળકીનો છ દિવસ વીતી જવા છતાં કોઈ પત્તો ન મળતાં સ્થાનિક લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે. આધુનિક ટેકનોલોજીના મોટા દાવાઓ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતા છતી થઈ છે. શોધખોળમાં વિલંબ થતાં અને ફાયર વિભાગને યોગ્ય સમયે ડ્રેનેજના નકશા ન મળતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

બાળકીને શોધવા માટે સતત છ દિવસથી કામગીરી

અમદાવાદમાં ડ્રેનેજમાં પડી ગયેલી નિર્દોષ બાળકીને શોધવા માટે સતત છ દિવસથી કામગીરી ચાલી રહી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને પેરિસ બનાવવાની વાતો કરવામાં આવે છે અને અદ્યતન ટેકનોલોજી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની સ્તર પર કામગીરીના નામે પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. 

તંત્ર ફાયર વિભાગને યોગ્ય સમયે ડ્રેનેજના નકશા પણ આપી ના શક્યું

બચાવ કામગીરી દરમિયાન મનપા તંત્ર ફાયર વિભાગને યોગ્ય સમયે ડ્રેનેજના નકશા પણ આપી શક્યું ન હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રેનેજ લાઈનના નકશા સમયસર ન મળવાને કારણે બાળકીની શોધખોળમાં અક્ષમ્ય વિલંબ થયો છે, જેને પગલે તંત્રની બેદરકારી સામે જનતામાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. સામાન્ય લોકોના જીવ જઈ રહ્યા હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ સંવેદનહીન બની ગયા હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા

બીજી તરફ, અમદાવાદમાં ડ્રેનેજમાં બાળકી પડી જવાની આ ઘટના અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાત્કાલિક ધોરણે 2 પમ્પિંગ સ્ટેશનથી લઈને સાબરમતી નદી સુધી તપાસ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 

સીસીટીવી સાથે વિગતવાર તપાસ કરવાના આદેશ

આ ઉપરાંત સમગ્ર રૂટ પર આગામી 2 દિવસમાં સીસીટીવી સાથે વિગતવાર તપાસ કરવાના આદેશ પણ જારી કરાયા છે. છ દિવસ પછી પણ બાળકીની કોઈ ભાળ ન મળતાં તંત્રની ઢીલી કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.  


આ પણ વાંચો   :   New Delhi : કોણ રિલ બનાવે છે અને કોણ સાચો પત્રકાર...તે ઓળખવું મુશ્કેલ: કેન્દ્ર સરકાર